ગીરના જંગલોની ગોદમાં આવેલું અમરેલીનું પ્રખ્યાત આંબરડી સફારી પાર્ક હવે પ્રવાસીઓ માટે વધુ રોમાંચક બન્યું છે. એશિયાટિક સિંહોના મુક્ત વિહારના દર્શન કર્યા બાદ હવે પ્રવાસીઓ ખુલ્લા વાતાવરણમાં દીપડાને પણ નિહાળી શકશે. વન વિભાગ દ્વારા આંબરડી ખાતે નવુ 'લેપર્ડ સેન્ટર' ખુલ્લું મૂકવામાં આવતા જ વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને પ્રવાસીઓનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં ગુજરાત વન વિભાગ અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે ધારી નજીક આવેલ આંબરડી ખાતે સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યું હતું. કુદરતના ખોળે મુક્તપણે વિહરતા એશિયાટિક સિંહોને નજીકથી જોવાનો લાહવો મેળવવા માટે દર વર્ષે અહીં દોઢ લાખથી પણ વધુ પ્રવાસીઓ ઉમટી પડે છે. સિંહ ઉપરાંત અહીં હરણ, નીલગાય, વરુ અને વિવિધ જાતિના પક્ષીઓ પણ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે.
હવે આંબરડી સફારી પાર્કમાં 'લેપર્ડ સેન્ટર'નો ઉમેરો થતાં પ્રવાસીઓનો આનંદ બેવડાયો છે. વન વિભાગ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા આ સેન્ટરના કારણે પ્રવાસીઓ સિંહની સાથે દીપડાને પણ ખૂબ નજીકથી જોઈ શકશે. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં જેમ કે દિવાળી, જન્માષ્ટમી કે હોળીમાં અહીં પહેલાથી જ ભારે ભીડ જોવા મળતી હતી, ત્યારે આ નવી સુવિધા શરૂ થતાં જ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ નોંધાયો છે. મુલાકાતે આવેલા સાજીદ બ્લોચ અને આયેશા બ્લોચ જેવા પર્યટકોએ પણ આ નવા નજરાણા અને વન વિભાગના આયોજનને ખૂબ બિરદાવ્યું હતું.
પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગ દ્વારા અહીં ઉત્તમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પાર્કમાં એસી અને નોન-એસી બસ, સુસજ્જ વેઇટિંગ એરિયા, ફોટો સેશન પોઇન્ટ્સ, બાળકો માટે પ્લે હાઉસ અને સેનિટરીની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. વન્યજીવ પ્રેમીઓ માટે આંબરડી હવે માત્ર સિંહ દર્શન પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ દીપડાના આ નવા ઘર સાથે તે ગુજરાતનું એક શ્રેષ્ઠ ટૂરિઝમ સ્પોટ બની ચૂક્યું છે.