BREAKING NEWS

આવતા અઠવાડિયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતની સંભાવના: તાલીમનું શેડયુલ જાહેર

  • April 01, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવશે તેનો વિગતવાર શેડ્યુલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કાર્યક્રમનો શેડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે તે જોતાં હવે આગામી સપ્તાહે ચૂંટણીની જાહેરાત થાય તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળે છે.

ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ કલેકટર અને હોદાની રૂએ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી જેવા જિલ્લાના ટોચના અધિકારીઓને તારીખ 4 એપ્રિલના રોજ જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર દ્વારા એક દિવસની તાલીમ આપવામાં આવશે અને આ તાલીમમાં બોમ્બે પ્રોવીનશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949 માં થયેલ ચૂંટણીલક્ષી જોગવાઈ અને તે હેઠળના ચૂંટણી નિયમો, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 માં થયેલ ચૂંટણીલક્ષી જોગવાઈ તથા તે હેઠળના નિયમો, ચૂંટણી સંબંધિત અધિકારીઓ અને તેની ફરજો, મતદાર યાદી, મતદાન મથક, ચૂંટણી સામગ્રી, ચૂંટણી અંગેની કાર્યરીતિ, ચૂંટણીનું જાહેરનામું, ઉમેદવારી પત્ર, ચૂંટણી એજન્ટ તથા મતદાન એજન્ટ, ઉમેદવારી પત્ર સાથે અનામત રકમ અંગે, ઉમેદવારી પત્રોની ચકાસણી, ઉમેદવારી પાછી ખેંચવા, બિન હરીફ ચૂંટણી, ઉમેદવારોની યાદી અને તેમના પ્રતિકો, ટપાલ મતપત્ર અને બેલેટ પેપર મતદાન માટેની કાર્યરીતિ, ગુપ્તતા, મત પેટીઓ દ્વારા મતદાનની કાર્યરીતિ, વિજાણું મતદાન યંત્રો દ્વારા મતદાન, મતોની ચકાસણી, ગણતરી અને પરિણામ જાહેર કરવા, અનામત રકમ પરત કરવા કે જપ્ત કરવા, ચૂંટણી લડતાં ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા, આદર્શ આચારસંહિતા, ચૂંટણી અધિકારીના અહેવાલ, ઇલેક્શન ઇન્ડેક્સ કાર્ડ અને રેકર્ડ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવા તથા ચૂંટણી સંબંધી અન્ય બાબતોનો આ તાલીમમાં સમાવેશ કરી લેવાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નોડેલ અધિકારીઓને જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ દ્વારા નોડલ અધિકારીઓની સત્તા અને જવાબદારીઓ સંદર્ભે એક દિવસની તાલીમ આપી દેવામાં આવી છે. ઝોનલ અધિકારીઓ અને મદદનીશ ઝોનલ અધિકારીઓને તારીખ 10 એપ્રિલ સુધીમાં કાયદો અને વ્યવસ્થા, ઝોનલ અધિકારીઓ અને તેમની જવાબદારી, મતદાનના દિવસે અનુસરવાની પ્રક્રિયા, મતદાન મથક પર જવાના રૂટની ચકાસણી, મતદાન મથક પર જરૂરી વ્યવસ્થા, સંવેદનશીલ- અતિ સંવેદનશીલ મતદાન મથકો, ચૂંટણી લક્ષી અન્ય બાબતો વગેરેની તાલીમ આપવામાં આવશે. આવી જ રીતે પોલિંગ સ્ટાફને પણ તારીખ 10 એપ્રિલ સુધીમાં પ્રથમ તાલીમ, તારીખ 16 એપ્રિલ સુધીમાં બીજી તાલીમ અને મતદાનના એક અઠવાડિયા પહેલા ત્રીજી તાલીમ એમ ત્રણ તાલીમ એક એક દિવસ માટે આપવામાં આવશે. આવી તાલીમમાં મતદાન માટેની પૂર્વ તૈયારી, ઈવીએમનું સંચાલન, મોકપોલ, કાયદો અને વ્યવસ્થા, વૈધાનિક અને બિનવૈધાનિક ફોર્મ તૈયાર કરવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

પોલીસ સ્ટાફને 18 એપ્રિલ સુધીમાં નોડેલ અધિકારી દ્વારા કાયદો અને વ્યવસ્થા સંદર્ભે તાલીમ આપવામાં આવશે. આવી જ રીતે ઉમેદવારના ચૂંટણી ખર્ચ દેખરેખ માટે નિયુક્ત થયેલ કર્મચારી અને અધિકારીઓને તારીખ 6 એપ્રિલ સુધીમાં એક દિવસની તાલીમ જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ અને નોડલ અધિકારી ચૂંટણી ખર્ચ દ્વારા આપવામાં આવશે. ડિસ્પેચિંગ અને રિસીવિંગની કામગીરી સાથે જોડાયેલા સ્ટાફને તે અંગેની તાલીમ મતદાનના એક અઠવાડિયા પહેલા આપવામાં આવશે. જ્યારે મતગણતરી સ્ટાફને કાઉન્ટિંગના એક દિવસ પહેલા આવી તાલીમ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application