ચોરી અને મારમારી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા લોધીકાના યોગેશ ઉર્ફે બાલો વિરુદ્ધ પાસાનું વોરંગ ઇશ્યુ થતા શાપર વેરાવળ પોલીસે વોરંટની બજવણી કરી આરોપીની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલહવાલે કરી દીધો હતો.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા, મારામારી તથા મિલકત સંબંધી ગુનાઓ આચરતા શખસો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે અંતર્ગત એલસીબી શાખા રાજકોટ ગ્રામ્યના પી. આઈ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.આઈ.આર.બી.રાણાની રાહબરીમાં પોલીસ સ્ટાફે શાપર વેરાવળ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ યોગેશ ઉર્ફે બાલો મુકેશભાઈ સિંગલ(ઉં વ ૨૧)(રહે પારડી શીતળા મંદિર, ૫૫૫ ચોક પાસે લોધિકા રાજકોટ)ને અટકાયતમાં લેવા તેના વિરુદ્ધ પાસા વોરંટની દરખાસ્ત તૈયાર કરી રાજકોટના જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી. દરખાસ્ત પર મંજૂરીની મહોર લાગતા જ શાપર વેરાવળ પોલીસે શખસને પકડી કાર્યવાહી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલ્યો હતો.
આ કામગીરીમાં એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્યના પી.આઈ. વી.વી.ઓડેદરા, શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં પી.આઈ. આર.બી.રાણા, એલ.સી.બી. શાખાના એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ક્રિપાલસિંહ રાણા, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ધાધલ, જગશીભાઈ ઝાલા, દિનેશભાઈ ખાટરીયા સાથે રહ્યા હતા.