BREAKING NEWS

ભગવાન દ્વારકાધીશ જગત મંદિર શીખર પર ફરી ડ્રોન ઉડતા વિવાદ

  • December 27, 2025 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકા જિલ્લામાં જાહેર શાંતિ અને સુરક્ષાના હેતુથી તારીખ ૨૪ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ હોવા છતાં અધિક કલેકટરના જાહેરનામાની એસીતેસી ફરી એક વખત કરવામાં આવી છે. હજુ ગઇકાલે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની ટીમ દ્વારા જગતમંદિરની આસપાસ અને દ્વારકામાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી પણ ડ્રોન ઉડતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 


શુક્રવારે સવારે જગત મંદિર પર અંદાજે આઠથી નવ વાગ્યે આસપાસ યાત્રિકોની ભારે ભીડ  વચ્ચે ડ્રોન કેમેરાથી શુટીંગ કરતા વિડિયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ ડ્રોન કેમેરાથી શુટીંગ કરવા તંત્રની  મંજુરી છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


તંત્ર દ્વારા મંદીરની ચારેય દિશામાં ૧૦૦ મીટરની ત્રિજ્યા માં જાહેરમાં ડ્રોન કેમેરો ઉડાવવા  પર પ્રતિબંધ છે, તેમજ અનેક સ્થળો પર ડ્રોન પ્રતિબંધીત હોય તેવા બેનરો લગાવ્યા છે. તે છતાં પણ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આજે ફરી એક વખત જગત મંદિર ઉપર ડ્રોન ઉડાડી શૂટિંગ કરતાં જગત મંદિરની સુરક્ષા પર સવાલો ઉઠવા પામ્યા છે. જગત મંદિરની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડ્રોન કેમેરાથી શુટીંગ કરનારની શોધખોળ કરવામાં આવી રહીં છે.


થોડા દિવસ અગાઉ પણ લાલો ફિલ્મની ટીમ દ્વારા દ્વારકામાં ડ્રોન કેમેરો વડે શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેના પડધમ શાંત થાય તે પહેલા ફરી એક વખત જગત મંદિરના શિખર પર ડ્રોન કેમેરો ઉડતા લોકોમાં અનેક તર્કવિતર્ક નો જન્મ થયો છે. જો આ રીતે ડ્રોન ઉડતો રહેશે અને કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો જગત મંદિર સુરક્ષા ફક્ત અને ફક્ત રામ ભરોસે છે તેવું માની શકાય.
​​​​​​​

જો કે સમગ્ર મામલે હવે શું યોગ્ય તપાસ થાય છે કે પછી દર વખતની જેમ માફી મંગાવી અને દંડ ફટ કરીને સ્થાનિક તંત્ર સંતોષ માની લેશે કે યોગ્ય અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું જાણકાર લોકોના મંતવ્ય મુજબ હવે ડ્રોન ઉડાડવા વાળા વ્યક્તિને કડક સજા આપવામાં નહીં આવે તો આ રીતે આવતા સમયમાં પણ જગત મંદિર ઉપર ડ્રોન ઉડતો જ રહેશે તો કોઈ નવાઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application