BREAKING NEWS

ઘરકંકાસ થતા નિલેશ્વરી બહેનપણીના ઘરે જતી રહી, પતિએ ત્યાં જઈ છરીથી રહેંસી નાખી, બચાવવા વચ્ચે પડતા મકાનમાલિકને પણ છરી ઝીંકી

  • December 08, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાએ વધુ એક વખત ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરના દૂધસાગર રોડ પર આકાશદીપ સોસાયટીમાં બહેનપણીના ઘરે રિસામણે ગયેલી નિલેશ્વરી યોગેશભાઈ માવલા (ઉ.વ. 28) નામની પરિણીતાને પતિ યોગેશ બાબુભાઈ માવલા(બોરીચા) (રહે. ભગવતીપરા મેઇન રોડ, ધરમનગર) એ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. પરિણીતાએ ચાર વર્ષ પુર્વે યોગેશ સાથે યોગેશ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. અંતે પરિણીતા બહેનપણીના ઘરે રીસામણે ચાલી જતા પતિએ ઉશ્કેરાઇ હુમલો કર્યો હતો. આ સમયે બચાવવા વચ્ચે પડેલા મકાનમાલિકને પણ હાથમાં છરી નો ઘા લાગી જતા તેને પણ ઈજા પહોંચી હતી. હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.


ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો 

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે બપોરના સમયે દૂધસાગર રોડ પરની આકાશદીપ સોસાયટી શેરી નં.૮ ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા કવાર્ટરમાં બહેનપણીના ઘરે આવેલી નિલેશ્વરી (ઉ.વ.28) નામની પરિણીતા પર પતિ યોગેશ બાબુભાઈ માવલા (બોરીચા) એ હુમલો કરી તેને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ સમયે બચાવવા વચ્ચે પડેલા મકાનમાલિક બીપીનભાઇ રણછોડભાઈ પીઠવાને પણ યોગેશે છરીનો ઘા ઝીંકી દેતા તેને હાથમાં ઇજા પહોંચી હતી. પત્ની પર ખુની હુમલો કર્યા બાદ યોગેશ અહીંથી નાસી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવના પગલે થોરાળા પોલીસમાં મથકના સ્ટાફે બનાવસ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.​​​​​​​


નિલેશ્વરી મૂળ અમદાવાદની વતની હતી

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, નિલેશ્વરીબા શક્તિસિંહ ઝાલા નામની આ યુવતી મૂળ અમદાવાદની વતની હતી ચારેક વર્ષ પહેલાં તે યોગ્યતા સંપર્કમાં આવ્યા બાદ બંને લવ મેરેજ કર્યા હતા.લગ્નના થોડા સમય બાદ જ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા. યોગેશ બોરીચા કંઈ કામ ધંધો કરતો ન હોય જેના કારણે આર્થિક સંકળામણ રહેતી હતી. યોગેશને નશો કરવાની પણ ટેવ હોય આ કારણસર બંને વચ્ચે ઉગ્ર ઝઘડાઓ થતા હતા. ઘરકંકાશ વધી જતા ચારેક દિવસ પૂર્વે નિલેશ્વરી અહીં આકાશદીપ સોસાયટીમાં બેનપણી જલ્પાના ઘરે રિસામણે આવી હતી. દરમિયાન પતિ યોગેશ બોરીચાએ અહીં ધસી આવી છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી નાખી હતી.


યોગેશ સામે અગાઉ મારામારી અને દારૂ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે

હત્યાના આ બનાવ અંગે અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં વિશ્રામ પાર્ક સોસાયટીમાં રહેતા મૃતકના ભાઈ પ્રથમસિંહ ઉર્ફે પથુભા શક્તિસિંહ ઝાલા (ઉ.વ. 24) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં યોગેશ બાબુભાઈ માવલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બીજી તરફ આ બનાવને લઇ થોરાળા પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાકીદે તપાસ હાથ ધરી હતી અને આરોપી યોગેશને ઝડપી લીધો હતો. યોગેશ સામે અગાઉ મારામારી અને દારૂ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ.સી.વી ચુડાસમા ચલાવી રહ્યા છે.


બચાવવા વચ્ચે પડતા મકાનમાલિકને પણ છરી ઝીંકી

યોગેશે ગઇકાલે બપોરના આકાશદિપ સોસાયટીમાં છરી સાથે ધસી જઇ પત્ની નિલેશ્વરી પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમયે બચાવવા વચ્ચે પડતા મકાનમાલિક બિપીનભાઇ રણછોડભાઇ પીઠવાને પણ યોગેશે છરી ઝીંકી દીધી હતી.જેમાં તેમને હાથમાં ઇજા પહોંચી હતી.


૧૫ નવેમ્બરે નાગેશ્વર વિસ્તારમાં પત્નીની હત્યા કરી પતિએ આપઘાત કર્યો હતો

રાજકોટમાં પતિના હાથે પત્નની હત્યાની ઘટના દુધસાગર રોડ પર બનવા પામી છે. આ પૂર્વે ગઇ તા. 15 નવેમ્બરે નાગેશ્વર વિસ્તારમાં કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમસંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી. 17 નવેમ્બરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application