BREAKING NEWS

ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે મહિલાનું જીવન ઝેર કર્યું: છુટાછેડા બાદ પ્રેમીએ લગ્નનો કર્યો ઇનકાર

  • November 28, 2025 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં રહેતી પરિણીતાએ મહિલાને જૂનાગઢના શખસે ઇન્સ્ટાગ્રામ મારફત પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સંબંધની જાણ પતિને થતાં મહિલાના છૂટાછેડા થઈ ગયા હતા, પરંતુ પ્રેમીએ તેને અપનાવવાનો ઇનકાર કરી દેતાં મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



રૈયાગામ પાસેના વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષીય મહિલાએ યુનિર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવીન રતીલાલ મકવાણા(રહે. જૂનાગઢ) નું આપ્યું છે. ફરિયાદીને બે સંતાન છે. મહિલાના ૨૦૦૫ માં લગ્ન થયા હતાં. છુટાછેડા થઇ જતા તે પુત્ર અને પુત્રી સાથે રહે છે. આશરે ત્રણ મહિના પહેલા તેને જૂનાગઢના ભાવિન રતિલાલ મકવાણા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. બંને વચ્ચે વાતચીત વધતાં ભાવિન રાજકોટ તેને મળવા આવ્યો હતો.


​મહિલાએ ભાવિનને સ્પષ્ટ જણાવ્યું હતું કે, તે પરણીત છે, બે બાળકોની માતા છે તેમજ ઉંમરમાં તેનાથી મોટી છે. આમ છતાં, ભાવિને "હું તને અપનાવીશ અને લગ્ન કરીશ" તેવી વાતો કરી વિશ્વાસમાં લીધી હતી. આરોપી ભાવિન અવારનવાર મહિલાના ઘરે આવતો હતો. એક દિવસ મહિલાના પતિ નોકરી પર હતા અને બાળકો નીચે રમવા ગયા હતા ત્યારે ભાવિને મહિલા સાથે લગ્નની વાત કરી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. બંને એકબીજાને અવારનવાર મળતા અને મહિલાની મિત્રના ઘરે પણ તેઓ શરીર સંબંધ બાંધતા હતા. ભાવિને તેના પરિવાર સાથે પણ ફોન પર વાતચીત કરાવી લગ્ન માટે રાજી હોવાનું નાટક કર્યું હતું.


દિવાળી પર મહિલા, તેનો પતિ, બાળકો અને આરોપી ભાવિન સહિતના લોકો ઉજ્જૈન ફરવા ગયા હતા. પરત ફરતી વખતે મહિલાના પતિને શંકા જતાં તેણે ભાવિનનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં પત્ની અને ભાવિનના ફોટા મળી આવતા ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના બાદ રાજકોટ પરત ફર્યા પછી પતિએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો અને તા. 07/11/2025 ના રોજ દંપતીના છૂટાછેડા થયા હતા.



પતિ સાથે છૂટાછેડા થયા બાદ મહિલા જ્યારે જૂનાગઢ ભાવિનના ઘરે ગઈ, ત્યારે ભાવિન અને તેના પરિવારે તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી મહિલાએ ભાવીન સામે લગ્નની લાલચ આપી, વિશ્વાસઘાત કરી અને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application