અરબી સમુદ્રના સાઉથ ઇસ્ટ ભાગમાં કેરલ અને કર્ણાટક વચ્ચે લક્ષદીપના દરિયામાં આજે સવારે 5:30 વાગ્યે લો પ્રેશર સર્જાયું છે. આ સિસ્ટમ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરશે અને આગામી 48 કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
અરબી સમુદ્રની આ સિસ્ટમના કારણે કેરલ તમિલનાડુ કર્ણાટક લક્ષદીપ અને આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સરકયુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે દક્ષિણ ભારતના આ રાજ્યોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. તેની માત્રા અને વ્યાપમાં વધારો થશે અને આગામી સાત દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
બંગાળની ખાડીમાં સાઉથ વેસ્ટ દિશામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી 1.5 કીલોમીટરની ઊંચાઈ પર જોવા મળે છે અને તેની અસરના ભાગરૂપે આગામી તારીખ 24 ના રોજ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર ઉદભવશે. આ સિસ્ટમ વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરશે.
બીજી બાજુ શિયાળાની સિઝનને આગળ ધપાવવા માટે મહત્વનું એવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અગામી તારીખ 21 ના રોજ જોવા મળશે અને તે હિમાલયન રીજીયનને પ્રભાવિત કરશે.
દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ ગુજરાતમાં ફુલ ગુલાબી ઠંડી ધીમે ધીમે ગાયબ થતી જાય છે અને ગરમીનું પ્રમાણ વધી જાય છે. અમદાવાદ ભુજ કંડલા વેરાવળ માં શુક્રવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર કરી ગયું છે. અમદાવાદમાં 37.2 ભુજમાં 37 કંડલામાં 37.2 અને વેરાવળમાં 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરા ડીસા દીવ નલિયા પોરબંદર રાજકોટ અને સુરતમાં ગઈકાલે મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીથી વધુ હતો.
લઘુતમ તાપમાન ની વાત કરીએ તો નલિયામાં 17 અને રાજકોટમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે. તે સિવાય સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી થી ઉપર છે.