25 લાખની જનસંખ્યા ધરાવતા સૌરાષ્ટ્રની રાજધાની સમા શહેર રાજકોટમાં આ વર્ષે છેલ્લા એક દાયકાનો સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. તા.૧ જૂનથી આજે તા.૨૫ સપ્ટેમ્બર સુધીના ચોમાસાના પોણા ચાર મહિનામાં રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ ફક્ત ૧૯ ઇંચ નોંધાયો છે. હવે પાંચ દિવસ પછી આગામી તા.૩૦ સપ્ટેમ્બરે ચોમાસું વિદાય લેશે ત્યારબાદ રાજકોટ સંપૂર્ણપણે નર્મદાનીર આધારિત બની જશે. જો એક પણ દિવસ નર્મદાનીર નહીં મળે તો વિતરણ વ્યવસ્થા ખોરવાશે અથવા તો પાણી કાપ મૂકવાની નોબત આવશે તે નક્કી છે.
રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ અપૂરતો વરસાદ વરસતા વર્ષ નબળું નીવડ્યું છે, ઉપરવાસમાં ઓછા વરસાદને રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ ડેમમાં વરસાદી પાણીની નહીંવત આવક થઇ છે. અલબત્ત આજી અને ન્યારી ડેમ ઓવરફ્લો થયા હોય તો પણ તેમાં ચારથી છ મહિના ચાલે તેટલો જ જળ સંગ્રહ થઇ શકે છે. ૨૦૧૭માં આજી અને ન્યારીમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવામાં આવ્યું ત્યારથી બન્ને જળાશયો સતત ભરેલા રહેતા હોય છેલ્લા નવેક વર્ષથી બન્ને ડેમમાંથી કાંપ કાઢી શકાયો નહીં હોવાના કારણે સંગ્રહ ક્ષમતા અમુક અંશે ઘટી છે.
તા.૩૦ સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેશે ત્યારબાદ વરસાદની શક્યતા નહીંવત છે તેમ છતાં છેલ્લા દસ વર્ષમાં અનેક વખત નવરાત્રી અને દિવાળી સુધી વરસાદ વરસ્યો છે પરંતુ તેવા બે ચાર ઇંચ વરસાદના ઝાપટાથી જળાશયોમાં આવક થતી હોતી નથી.
રાજકોટ મહાપાલિકા તંત્રનો કાયમ એવો દાવો રહ્યો છે કે તે સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરૂં પાડે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આજની સ્થિતિએ શહેરના ૭૫ ટકા વિસ્તારો જ મહાપાલિકા આધારિત છે અન્ય ૨૫ ટકા જેટલા વિસ્તારો આજે પણ બોર આધારિત છે. આથી ઉનાળામાં ૩૧ માર્ચ આજુબાજુ બોર ડુકશે ત્યારબાદ પરિસ્થિતિ વિકટ થશે.
રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ
૨૦૧૪: ૧૫.૧૦ ઇંચ
૨૦૧૫: ૩૧.૩૩ ઇંચ
૨૦૧૬: ૨૨.૩૬ ઇંચ
૨૦૧૭: ૫૧.૭૦ ઇંચ
૨૦૧૮: ૨૨.૪૦ ઇંચ
૨૦૧૯: ૬૧.૦૦ ઇંચ
૨૦૨૦: ૪૪.૬૩ ઇંચ
૨૦૨૧: ૫૩.૨૪ ઇંચ
૨૦૨૨: ૩૭.૯૭ ઇંચ
૨૦૨૩: ૨૫.૬૩ ઇંચ
૨૦૨૪: ૪૯.૭૬ ઇંચ
૨૦૨૫: ૨૪.૮૯ ઇંચ
૨૦૨૬: ૧૯ ઇંચ (તા.૨૫.૯.૨૦૨૬ સુધીમાં)
રાજકોટના જળાશયોની આજની સ્થિતિ
ડેમ કુલ ઉંડાઇ નવી આવક હાલની સપાટી
આજી-૧ ૨૯.૦૦ ફૂટ ૦.૨૩ (સૌની) ૨૨.૫૦ ફૂટ
ન્યારી-૧ ૨૫.૧૦ ફૂટ ૦.૧૬ (સૌની) ૧૭.૭૦ ફૂટ
ભાદર-૧ ૩૪.૦૦ ફૂટ ૦.૦૦ ૧૭.૨૦ ફૂટ