જામનગર લોકસભા ક્ષેત્રમાં યોજાયેલા આ યાદગાર મહોત્સવમાં અઢી લાખ જેટલા યુવા ભાઇ બહેનોએ ફીટ ઇન્ડિયાના દર્શન કરાવવાની સાથે મહોત્સવને મહામહોત્સવ બનાવવામાં આવ્યો છે. રમતવીરોના રોમાંચ સાથે ૨૫મીએ જામનગર ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાશે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓના સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રમાં સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નું આગામી તા.૧૮ થી ૨૫ ડિસેમ્બર સુધી અંતિમ ચરણ યોજાનાર છે જે માટે ભાગ લેનાર ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
૧૨-જામનગર લોકસભા ક્ષેત્રમાં જામનગર-દેવભૂમિ દ્વારકા ઉપરાંત મોરબીના આમરણ ચોવીશી વિસ્તાર ગ્રામ્ય કક્ષાએ યોજાયેલા આ મહોત્સવમાં અઢી લાખ જેટલા યુવા ભાઇ બહેનોએ ફીટ ઇન્ડિયાના દર્શન કરાવીને મહામહોત્સવ બનાવ્યો છે આ ખેલ મહોત્સવ દરમ્યાન હાલારના બંને જીલ્લાઓમાંથી પ્રતિભાઓ ઉભરી આવી હોય આગામી કોમનવેલ્થ ગેમ્સમાં હાલારભરના સ્થાનીક ખેલાડીઓ જોવા મળશે તેવી આ રમત ગમત હરીફાઇને જબરી લોકપ્રિયતા મળી રહી છે.
જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રમાં સંસદસભ્ય પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ યુવાશકિતને રમતગમત સાથે જોડવા હેતુસર સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫નું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. આ ખેલ મહોત્સવનું તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન અંતિમ ચરણની રમતોનું આયોજન થયું છે અને આ મહોત્સવનું આયોજન ગ્રામ્ય કક્ષા, નગર કક્ષા, મહાનગર ઝોન કક્ષા તથા જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યુ છે, જેથી દરેક સ્તરના ખેલાડીઓને પોતાની પ્રતિભા રજુ કરવાની સમાન તક મળી રહે. તેમજ આ મહોત્સવ અંતર્ગત દોડ, સંગીત ખુરશી, કબડ્ડી, ખો-ખો, નારગોલ, રસા ખેંચ, વોલીબોલ, બાસ્કેટબોલ, કુસ્તી તથા ક્રિેકેટ જેવી વિવિધ રમતો યોજાઇ રહી છે આ મહોત્સવ દ્વારા ખેલ ભાવના, શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળ્યુ છે અને જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રના તમામ ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ આ ખેલ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે ખાસ કરીને નોંધપાત્ર બાબત એ છે કે આ મહોત્સવ માટે અઢીલાખ જેટલી રેકોર્ડ બ્રેક એન્ટ્રી થતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓમાં વિવિધ સ્થળોએ યોજાયેલો મહોત્સવ મહામહોત્સવ બની ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રની યુવા શકિતના ઉજાગરનો અને પ્રતિભા નિખરી આવે તેવો દીર્ઘતાભર્યો હેેતુ સિદ્ધ કરનાર આ ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રના સાંસદ ખેલ મહોત્સવને નવી બુલંદી પ્રાપ્ત થઇ હોય તેમજ કેન્દ્ર સરકારના રમત ગમત મંત્રી મનસુખભાઇ માંડવીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની જેમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓના યુવા ભાઇ બહેનોએ થનગનાટ પૂર્વક ભાગ લીધો હોય આ મહોત્સવ ઐતિહાસિક અને યાદગાર બની રહ્યો છે.
ફીટ ઇન્ડિયા સાર્થક કરતા આ મહામહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ આગામી તારીખ ૨૫ના જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીની વર્ચુઅલી ઉપસ્થિતીમાં યોજાનાર છે તે માટે ભાગ લેનાર ખેલાડીઓમાં અત્યારથી જ ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ખેલદીલી, શિસ્ત અને સુઝબુઝ સાથે ભાગ લેનાર અઢી લાખ યુવાઓ માટે ૧૨-જામનગર લોકસભા ક્ષેત્રનો આ સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ અનેક નવા આયામો સાથે વ્યકિતત્વ સર્વાગી વિકાસ જીવનની ઉંચાઇઓને આંબવા સમાન આયોજન બની રહ્યુ છે.