વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા FIFA પર સાયબર હુમલો થયો છે. હેકર્સે સંસ્થાના આંતરિક સિસ્ટમમાં ઘૂસીને 12GBથી વધુ ગુપ્ત ડેટા ચોર્યાનો દાવો કર્યો છે.
આજના ડિજિટલ સમયમાં સાયબર હુમલાનું જોખમ વધી રહ્યું છે. નાની ભૂલથી પણ મહત્વનો ડેટા હેકર્સ પાસે પહોંચી શકે છે. આવી જ ઘટના FIFA સાથે બની છે. હેકર્સે FIFAની વેબસાઈટના આંતરિક ડેટા સુધી પહોંચ બનાવી છે. FIFAએ પોતે આ ઘટનાની પુષ્ટિ કરી છે. 'હેન્ડસમ બોય હેકિંગ ક્લબ' (HBHC) નામના ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી છે. તેમણે 12GBથી વધુ ગુપ્ત ડેટા ચોર્યાનું કહ્યું છે.
અહેવાલો મુજબ, હેકર્સે X પર કેટલીક ફાઈલોના સ્ક્રીનશોટ શેર કર્યા છે. તેમના દાવા મુજબ, ચોરાયેલા ડેટામાં ઓળખપત્ર, ઈમિગ્રેશન દસ્તાવેજો, અધિકારીઓની વિગતો, નાણાકીય રેકોર્ડ અને કાનૂની દસ્તાવેજો છે. આ ઉપરાંત સંસ્થાના વહીવટ અને કામકાજના રેકોર્ડ પણ સામેલ હોવાનું કહેવાય છે.
FIFAએ સ્વીકાર્યું છે કે હેકર્સે થોડી અંગત અને વ્યાવસાયિક માહિતી મેળવી છે. જોકે, હુમલો ક્યારે થયો અને કેટલા લોકો પ્રભાવિત થયા તે જણાવ્યું નથી. FIFAના પ્રવક્તા મુજબ, મર્યાદિત માહિતી સુધી જ પહોંચ બનાવાઈ છે.
ડેટા કેવી રીતે હેક થયો? લોકોમાં સવાલ છે કે ડેટા કેવી રીતે લીક થયો. રિપોર્ટ મુજબ, હેકર્સે સિસ્ટમની કોઈ ખામીનો ફાયદો લીધો નથી. તેમણે કર્મચારીઓની ઓળખનો ખોટો ઉપયોગ કરીને પ્રવેશ મેળવ્યો હતો.
રિપોર્ટ મુજબ, ચોરાયેલો ડેટા કુલ ડેટાના 0.1 ટકાથી પણ ઓછો છે. FIFAએ સ્પષ્ટ કર્યું છે કે બંધ થયેલા FIFA ફોરવર્ડ એન્ટરપ્રાઈઝ (FFE) પ્રસ્તાવના દસ્તાવેજો આમાં નથી. FIFAએ તપાસ શરૂ કરી FIFAએ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને તપાસ શરૂ કરી છે. સંસ્થાએ ડેટા ચોરીની નિંદા કરી છે.
તાજેતરમાં અન્ય ફૂટબોલ સંસ્થાઓ પર પણ સાયબર હુમલા થયા છે. નવેમ્બરની શરૂઆતમાં લા લીગાના પ્લેટફોર્મ અને જુલાઈમાં આર્જેન્ટિના ફૂટબોલ મહાસંઘમાં પણ આવી ઘટનાઓ બની હતી.