યુક્રેને રશિયા વિરુદ્ધ યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલાઓમાંથી એકને અંજામ આપ્યો છે. યુક્રેની સૈન્યએ રશિયામાં આવેલી એક મુખ્ય મિસાઇલ અને રોકેટ ફ્યુઅલ બનાવતી ફેક્ટરી તેમજ સૈન્ય એરફિલ્ડને નિશાન બનાવીને તબાહ કરી દીધી છે. રશિયન રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર યુક્રેને રાતોરાત 822 ડ્રોન દાઘ્યા હતા, જેમાંથી મોટાભાગના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને લગભગ 600 ડ્રોન રશિયાની રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહ્યા હતા.
મિસાઇલ ફેક્ટરીને બનાવવામાં આવી નિશાન
યુક્રેની સેનાએ ટેલિગ્રામ પર નિવેદન આપતા જણાવ્યું છે કે, "આ કંપની મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (MLRS), વિવિધ મિસાઇલ પ્રણાલીઓ અને હવાઈ હથિયારો માટે સોલિડ રોકેટ પ્રોપેલન્ટ (ઈંધણ) તૈયાર કરતી હતી, જેને આ હુમલામાં ગંભીર નુકસાન પહોંચ્યું છે."
હુમલામાં 6 લોકોના મોતની પુષ્ટિ
આ ભીષણ હવાઈ હુમલામાં અત્યાર સુધી 6 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. સ્થાનિક ગવર્નર યુરી સ્લ્યુસારના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમી રોસ્તોવ વિસ્તારના ત્રણ અલગ-અલગ કસ્બાઓ પર થયેલા હુમલામાં 5 લોકોના મોત થયા છે. મોસ્કો નજીક એક યુક્રેની ડ્રોન સીધું જ એક ખાનગી મકાન સાથે અથડાતા 83 વર્ષીય એક વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ હુમલાએ રશિયાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કરી દીધા છે, કારણ કે યુક્રેને એકસાથે સેંકડો ડ્રોન મોકલીને રશિયાના મુખ્ય સૈન્ય સંસાધનોને નિશાન બનાવવામાં મોટી સફળતા મેળવી છે.