ઓનલાઈન ફૂડ ડિલિવરી ક્ષેત્રે અગ્રણી કંપની ઝોમેટોએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ કેશ-ઓન-ડિલિવરી (COD) એટલે કે ડિલિવરી સમયે રોકડ ચૂકવણી કરવાના વિકલ્પ પર એક નવો વધારાનો ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. કંપનીના એપ પર સામે આવેલી માહિતી મુજબ, આ ચાર્જ અલગ-અલગ યુઝર્સ અને ઓર્ડરની વેલ્યુના આધારે અલગ-અલગ હોઈ શકે છે.
બિલમાં દેખાશે 'પે ઓર્ડર ફી'
જ્યારે ગ્રાહક ફૂડ ઓર્ડર કરતી વખતે કેશમાં પેમેન્ટ કરવાનો વિકલ્પ પસંદ કરે છે, ત્યારે ઓર્ડર બિલમાં “પે ઓર્ડર ફી” (Pay on Delivery Fee) તરીકે આ નવો ચાર્જ ઉમેરવામાં આવે છે. આ રકમ તમામ ઓર્ડર્સ માટે સરખી નથી, પરંતુ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન વેલ્યુના હિસાબે બદલાતી રહે છે. જોકે, આ ફી નક્કી કરવા પાછળનો ચોક્કસ આધાર શું છે અને તે ઓર્ડરની કિંમત કે લોકેશન સાથે જોડાયેલી છે કે કેમ, તે અંગે હજુ સુધી ઝોમેટો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ઝોમેટોની મુખ્ય હરીફ કંપની સ્વિગી દ્વારા હાલમાં COD ઓર્ડર પર કોઈ અલગ ચાર્જ લેવામાં આવતો નથી.
નાની ફી, મોટી કમાણીનું ગણિત
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ માટે આ પ્રકારના નાના ચાર્જિસ લાંબા ગાળે કરોડોની કમાણીનું સાધન સાબિત થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોમેટો રોજના અંદાજે ૨૩ થી ૨૫ લાખ ફૂડ ઓર્ડર પ્રોસેસ કરે છે. જો સૈદ્ધાંતિક રીતે જોવામાં આવે તો, જો પ્રતિ ઓર્ડર સામાન્ય ચાર્જ પણ ગણવામાં આવે તો કંપનીની વાર્ષિક કરોડો રૂપિયાની વધારાની કમાણી થઈ શકે છે. ફુડ ડિલિવરી કંપનીઓ હવે મુખ્ય કિંમત વધારવાને બદલે આવા નાના ચાર્જિસ ઉમેરીને નફો કમાવવાની રણનીતિ અપનાવી રહી છે.
અગાઉ શરૂ કર્યો હતો પ્લેટફોર્મ ચાર્જ
આ અગાઉ વર્ષ ૨૦૨૩માં ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓએ ફૂડ ઓર્ડર પર પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી. શરૂઆતમાં આ ફી સાવ સામાન્ય હતી, જે સમયની સાથે વધતી ગઈ. હાલમાં ઝોમેટો પર પ્લેટફોર્મ ફી પ્રતિ ઓર્ડર આશરે ૧૫ રૂપિયા (GST અલગથી) સુધી વસૂલવામાં આવે છે. હવે COD પર લાગુ કરાયેલા નવા ચાર્જથી ગ્રાહકોનું ફૂડ બિલ વધુ લાંબુ બનશે, જેમાં ખાવાની કિંમત ઉપરાંત પ્લેટફોર્મ, પેકેજિંગ, ડિલિવરી અને પેમેન્ટ સંબંધિત અલગ-અલગ ચાર્જ ચૂકવવા પડશે.