સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ના બંધારણ અને તેની વહીવટી પ્રક્રિયા સામે ઉઠેલા ગંભીર વાંધાઓ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત આદેશ આપ્યો છે. અદાલતના આ વલણથી સ્થાનિક ક્રિકેટ વર્તુળો અને સંસ્થાના વહીવટી માળખામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ની બંધારણીય અને વહીવટી કામગીરીને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરતા ગુજરાત હાઈકોર્ટે આગામી ૧૪ ઓગસ્ટના રોજ યોજાનારી સંસ્થાની સ્પેશિયલ જનરલ બોડી મીટિંગ (SGM) પર મનાઈ હુકમ (Stay Order) ફરમાવી દીધો છે. અદાલતના આ નિર્ણય બાદ હવે આગામી ૩૧ ઓગસ્ટ સુધી SCA દ્વારા કોઈપણ પ્રકારની બેઠક યોજી શકાશે નહીં. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન SCA તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલે આદેશનું સંપૂર્ણ પાલન કરવાની કોર્ટને ખાતરી આપી છે.
પૂર્વ જસ્ટિસ એમ.આર. શાહના રિપોર્ટ પર મંતવ્યો મંગાયા
આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તમામ સંબંધિત પક્ષકારોને આગામી ૨૪ ઓગસ્ટ સુધીમાં પૂર્વ જસ્ટિસ એમ.આર. શાહના રિપોર્ટ પર પોતપોતાના જવાબો, વાંધા અને મંતવ્યો રજૂ કરવા માટે સમય આપ્યો છે. આ મામલે હવે પછીની વધુ અને મહત્વપૂર્ણ સુનાવણી ૩૧ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
SCA વહીવટમાં મોટા ફેરફારના સંકેત
હાઈકોર્ટ દ્વારા સ્પેશિયલ જનરલ બોડી મીટિંગ પર લગાવવામાં આવેલા આ સ્ટે ઓર્ડરને કારણે એસોસિએશનના વર્તમાન હોદ્દેદારો અને વહીવટી વર્તુળોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. કાનૂની નિષ્ણાતોના મતે આ કેસના પરિણામો આવનારી દિવસોમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સમગ્ર વહીવટી માળખા અને બંધારણીય નિયમોમાં મોટા ફેરફારો લાવવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે.