BREAKING NEWS

ઉજ્જૈનમાં મોટી દુર્ઘટના: ખેતરમાં ખુલ્લા બોરવેલમાં ખાબક્યો 3 વર્ષનો માસૂમ; 60 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકને બચાવવા તંત્રનું મહારેસ્ક્યુ ઓપરેશન શરૂ

  • April 09, 2026 10:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ઝલારિયા ગામમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી આવેલા પશુપાલક પરિવારનો ત્રણ વર્ષનો માસૂમ બાળક ખેતરમાં આવેલા ખુલ્લા બોરવેલમાં પડી ગયો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


કેવી રીતે બની આ ઘટના?

બડનગર પોલીસ સ્ટેશનના ટીઆઈ અશોક પાટીદારે જણાવ્યું કે, રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડાનલા ગામના કેટલાક પશુપાલકો ઘેટા ચરાવવા માટે ઉજ્જૈનના ઝલારિયા વિસ્તારમાં આવ્યા હતા. શુક્રવારે જ્યારે પરિવારના સભ્યો ઘેટા ચરાવવામાં વ્યસ્ત હતા, ત્યારે પ્રવીણ દેવાસીનો 3 વર્ષનો પુત્ર ભાગીરથ રમતા-રમતા પલદુના રોડ પર આવેલા એક ખેતરના ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો.


60 ફૂટની ઊંડાઈએ જિંદગી અને મોત વચ્ચે જંગ
જ્યારે પરિવારના સભ્યોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર બાળક અંદાજે 60 ફૂટની ઊંડાઈએ ફસાયેલો છે. વહીવટી અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે. બોરવેલમાં ફસાયેલા માસૂમને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે પાઇપ દ્વારા સતત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. બાળકની હિલચાલ પર નજર રાખવા માટે બોરવેલમાં નાઈટ વિઝન કેમેરા ઉતારવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.


રાજસ્થાનથી આવેલા પરિવારમાં માતમ
ભોગ બનનાર બાળકનો પરિવાર રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની છે અને પશુપાલન માટે મધ્યપ્રદેશ આવ્યો હતો. માસૂમ ભાગીરથના બોરવેલમાં પડવાના સમાચાર મળતા જ તેના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે અને બાળકની સુરક્ષિત વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application