BREAKING NEWS

જામનગરમાં મકરસંક્રાંતિની હરખભેર ઉજવણી: નભમાં રંગબેરંગી પતંગ ઉડયા

  • January 15, 2026 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરની ઉત્સવ પ્રેમી જનતા કે જે દરેક તહેવારોને ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવે છે તે પરંપરા મુજબ ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની પણ ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી અને શહેરના અનેક વિસ્તારોમાં પતંગ ઉડતા જોવા મળ્યા હતાં અને જામનગર શહેરનું આકાશ પણ ગઈકાલે રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું હતું. જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પતંગ, દોરા, ફુગ્ગા તેમજ તલ મમરાના લાડુ, ઊંધિયું, ઝીંઝરા, શેરડી સહિતની ખાદ્ય સામગ્રીના કુલ ૧,૦૦૦ થી વધુ હંગામી સ્ટોલ અથવા તો ફેરીયાઓ ઉભેલા જોવા મળ્યા હતાં અને જામનગર શહેરમાં મકરસંક્રાંતિનો ઉત્સવ ગઈકાલે ભારે ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.



જામનગર શહેરમાં એક દાયકા પહેલાં આકાશમાં એક પણ પતંગ જોવા મળતો ન હતો, પરંતુ ધીમે-ધીમે તેમાં પરિવર્તન આવ્યું છે અને ઉત્સવ પ્રેમી જનતા પતંગ મહોત્સવને પણ સારી રીતે ઉજવી રહ્યા છે. ખાસ કરીને જામનગર શહેરના જુના ગીચ વિસ્તારો, ઉપરાંત પટેલ કોલોની, ગાંધીનગર, નવાગામ ઘેડ, રણજીતનગર સહિતના કેટલાક વિસ્તારોમાં પણ મોટા પાયે પતંગ ઉડતા જોવા મળ્યા હતાં. શહેરના કેટલાક એપાર્ટમેન્ટની અગાસી પર પતંગરસીયાઓ ગીત સંગીતના સથવારે પતંગ ઉડાવી રહેલા જોવા મળ્યા હતાં અને ક્યાંક કાયપો છે.... એવો અવાજ અને ચિચિયારી પણ સાંભળવા  મળી હતી.



જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં લોકો મન ભરીને પતંગ ઉડાવી રહ્યા છે, જેના માટે પતંગ વિતરણના અનેક સ્થળે  હંગામી સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા હતાં. ખાસ કરીને રણજીત સાગર રોડ, ખોડીયાર કોલોનીથી સમર્પણ હોસ્પિટલ સુધીના માર્ગે, ઉપરાંત ગુલાબનગર મેઇન રોડ સહિતના અન્ય વિસ્તારો તેમજ જામનગરના દિપક ટોકીઝથી શાક માર્કેટ સુધીના વિસ્તારમાં અનેક સ્થળે પતંગ વિતરણના હંગામી સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા હતાં અને ૧૩ મી તારીખે રાત્રિના બે વાગ્યા સુધી પતંગની ખરીદી માટેનો માહોલ જોવા મળ્યો હતો.



આ ઉપરાંત જામનગર શહેરના અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ પર ફુગ્ગા વિતરણ કરવા માટેના ફેરીયાઓ મોટી સંખ્યામાં ઊભા રહી ગયા હતાં અને બાળકો માટે ગેસના વિવિધ રંગોવાળા ફુગ્ગા ઉપરાંત કેટલાક કાર્ટુન સાથેના ફુગાના વેચાણ માટે ફેરીયાઓ ગોઠવાઈ ગયા હતાં અને લોકોએ પણ ધૂમ ખરીદી કરી હતી. શિયાળાની સીઝનને અનુરૂપ તલ મમરાના લાડુ, ચીકી, શેરડી તેમજ અન્ય ખાદ્ય સામગ્રીના પણ અનેક સ્થળે વેચાણ કેન્દ્રો શરૂ થયા હતાં અને તેનું પણ ધૂમ વેચાણ થયું હતું.



લોકોએ ગઈકાલે અનેક સ્થળે ઊંધિયું મેળવવા માટે પણ અનેક સ્થળે કતાર લગાવી હતી અને ઊંધિયું તેમજ જલેબીના હંગામી વેચાણ કેન્દ્ર પણ કેટલાક સ્થળે જોવા મળ્યા હતાં. એકંદરે ગઈકાલે મકરસંક્રાંતિના પર્વને અનુલક્ષીને લોકોએ મન ભરીને તહેવાર મનાવ્યો હતો, શહેરમાં કોઈ અન્ય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ ખડેપગે રહ્યું હતું અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, ઉપરાંત ટ્રાફિક બંદોબત પણ જાળવ્યો હતો.

​​​​​​​


જામનગર સહિત સમગ્ર હાલારમાં મકરસંક્રાતિની ભવ્ય ઉજવણી થઇ હતી, ઠેર-ઠેર મંદિરોમાં વિવિધ દર્શનો યોજાયા હતાં, તે ઉપરાંત લોકોએ ગામડાઓમાં ઘાસચારો, ગરીબોને લાડવા, ચીકી, પતંગ, દોરીનું વિતરણ કર્યુ હતું, લોકોએ સારો પવન હોવાથી પતંગ ઉડાડવાની મોજ માણી હતી, ચારેકોર એ કાપ્યો છે....ના નાદ સાથે લોકોએ ચીચીયારી બોલાવી હતી, દ્વારકા, ઓખા, મીઠાપુર, ખંભાળીયા, કલ્યાણપુર, જામરાવલ, જામજોધપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, કાલાવડ સહિતના વિસ્તારોમાં પણ મકરસંક્રાંતિના પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application