BREAKING NEWS

જંગલેશ્વરમાં મામલતદારનો કાફલો ત્રાટક્યો: ૫૦૦થી વધુ મકાનોને ડિમોલિશનની નોટીસ

  • December 18, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ રાજકોટ મામલતદાર કચેરીનો કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આજે સવારથી શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ત્રાટક્યો હતો અને દબાણો તેમજ ગેરકાયદે બાંધકામ મામલે ૫૦૦થી વધુ મકાનો, દુકાનો વિગેરે સહિતના દબાણોને ડિમોલિશનની નોટિસ ફટકારતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો,જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કિમ નં.૬ના એફ.પી.નં.૧૫૯માં દબાણો અને ગેરકાયદે બાંધકામો મામલે પોલીસ બંદોબસ્ત હેઠળ નોટિસની બજવણી કરાઇ હતી. નોટિસ ધારકોને તા.૨૯ ડિસેમ્બરે સવારે ૧૧ કલાકે જૂની કલેક્ટર કચેરીએ હાજર થવા ફરમાન કરાયું હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની કચેરી રાજકોટ શહેર (પૂર્વ) દ્વારા રાજકોટ શહેર (પૂર્વ)ના ટી.પી.સ્કીમ નં.૬નાં એફ.પી.નં.૧૫૯ ઉપર થયેલ દબાણ અંગે લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ હેઠળ ફટકારવામાં આવેલી નોટીસમાં જણાવ્યું છે કે, આથી તમોને નોટીસ આપી જાણ કરવામાં આવે છે કે, રાજકોટ શહેર (પૂર્વ)ના સરકાર હસ્તકના ટી.પી.સ્કીમ નં.૬નાં એફ.પી.નં.૧૫૯ પૈકીમાં આપના દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી સરકારી જમીનમાં દબાણ કરેલ છે. આ દબાણવાળી જમીન નિયમોનુસાર દંડ વસુલાત કરી, ખુલ્લી શા માટે ન કરાવવી અને અન્ય કાયદાકીય પગલા શા માટે ન લેવા ? તે અંગે તમોને સાંભળવા તા.૨૯.૧૨.૨૦૨૫ના સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પૂર્વ), જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે મુદત રાખવામાં આવેલ છે. મુદતે આપના દબાણ હેઠળની જમીનની માલીકી અંગેના કોઈ આધાર-પુરાવા હોય તો રજુ કરશો. મુદતે તમો જાતે અગર કુલ મુખત્યાર અગર વકીલ મારફતે હાજર રહી, આધાર પુરાવા સાથે જે કંઇ રજુઆત કરવાની હોય તે કરશો. મુદતે ગેરહાજર રહેશો તો તમોએ સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે કબ્જો/બાંધકામ કરી દબાણ કર્યાનું માની દબાણ દુર કરવા જમીન મહેસુલ કાયદા તળે દબાણ દુર કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેશો તેમ નોટિસના અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application