શ્રમિકોની વસાહતવાળા વિસ્તારમાં શ્રમિકોની ઓરડીમાંથી મોબાઇલ ચોરી કરનાર તસ્કરને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. મૂળ યુપીનો વતની અને હાલ 80 ફૂટ રોડ પર ન્યુ સર્વોદય સોસાયટીમાં રહેતા આ શખસ પાસેથી પોલીસે 21 ચોરાઉ મોબાઈલ કબજે કર્યા હતા. પૂછતાછમાં તાજેતરમાં વાવડીમાં શ્રમિકોની બે ઓરડીમાંથી થયેલા સાત મોબાઈલ ફોનની ચોરી તથા લોઠડામાં શ્રમિકોની ઓરડીમાંથી થયેલ મોબાઈલ ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો છે. આરોપી મોબાઇલ ચોરી કર્યા બાદ સસ્તા ભાવે વેચી દેતો હતો.
જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં વાવડી નજીક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે ઓરડીમાંથી રૂપિયા 51,000 ની કિંમતના શ્રમિકોના સાત મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવને લઈ ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ અને એસીપી બી.જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ બી.આર. ભરવાડ તથા ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજયભાઈ ભુંડિયા, અક્ષયભાઈ નાથાણી, કોન્સ્ટેબલ ઉગાભાઇ બાળા, મહિલા કોન્સ્ટેબલ મોનિકાબેન ભુવાને મળેલી બાતમીના આધારે ભીમનગર સર્કલ નજીક શનિવારી બજાર મચ્છી માર્કેટ રોડ નજીક પુલ પાસેથી એક શંકાસ્પદ શખસને ઝડપી લીધો હતો.
પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ સોનુ રોજઅલી ખાન (ઉ.વ. 26 રહે. ન્યુ સર્વોદય શેરી નંબર 4, રજનીભાઈ પટેલના કારખાનાની ઓરડી, થોરાળા 80 ફૂટ રોડ, રાજકોટ, મૂળ યુપી) હોવાનું જણાવ્યું હતું. આ શખસ પાસેથી 21 મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે અંગે પોલીસે તેની પાસેથી બિલ માંગતા તે બિલ રજૂ કરી શક્યો ન હતો. જેથી પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા આ મોબાઈલ ફોન ચોરાઉ હોવાનું જણાવ્યું હતું.
આરોપીએ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં શ્રમિકોની બે ઓરડીમાંથી સાત મોબાઈલ ફોન તેમજ અઠવાડિયા પહેલા રાત્રીના સમયે સત્યમ ઇન્ડસ્ટ્રીઝ લોઢડા ગામ પાસેથી કારખાનાની ઓરડીમાંથી બે મોબાઈલ ફોન ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ સિવાય અન્ય મોબાઈલ તેણે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ કારખાનામાં શ્રમિકોની ઓરડીમાંથી રાત્રિના સમયે શ્રમિકોની ઊંઘમાં ખલેલ પહોંચાડ્યા વગર ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીને ઝડપી લઇ તાલુકા પોલીસ અને આજીડેમ પોલીસમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
આ કામગીરીમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ. હરીપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ, હેડ કોન્સ્ટેબલ કોશેન્દ્રસિંહ ઝાલા, અજયભાઈ ભુંડિયા, અક્ષયભાઈ નાથાણી, કોન્સ્ટેબલ મુકેશભાઈ, બળભદ્રસિંહ, ભીખુભાઈ, જયપાલસિંહ, કુકાભાઈ, મયુરસિંહ, કુલદીપસિંહ, નિકુંજભાઈ અને મહિલા કોન્સ્ટેબલ મોનિકાબેન સાથે રહ્યા હતાં.
રાત્રીના ઓરડીનો દરવાજો ખુલ્લો જોતા જ હાથફેરો કરી લેતો
આરોપી શહેરમાં અલગ અલગ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા કારખાના તેમજ રૂમોમાં તેમજ કારખાનાની આજુબાજુ કામ કરતા મજૂરો રાત્રીના સમયે સૂતા હોય ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો હોય તો ત્યાંથી મોબાઇલ ચોરી કરી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. જેથી પોલીસે શ્રમિકોને અપીલ કરી છે કે, રાત્રિના સમયે કામ ચાલુ હોય ત્યારે કારખાનાના શટ્ટર ખુલ્લા નહીં રાખવા તેમજ રૂમમાં સૂતી વેળાએ દરવાજો બંધ રાખવો.