રાજકોટ શહેરના જામનગર રોડ પરના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ઘર નજીક રહેતા રીક્ષાચાલકે ચારેક વાર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હતો. સગીરાનું પેટ ઉપસી આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. જે મામલે સંગીરાની માતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી હવસખોર રીક્ષાચાલકને સકંજામાં લીધો હતો. દુષ્કર્મના આ બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક રહેતી મહિલાએ આરોપી તરીકે રહેમાન સોહીલભાઈ શેખકાઝીનું નામ આપ્યું છે. ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને શખસને સકંજામાં લીધો હતો. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીને સંતાનમાં એક 15 વર્ષ 4 મહિનાની સગીર પુત્રી છે. જેણે ધો.-9 સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ પુત્રી અભ્યાસ કરતી નથી. થોડો સમય પૂર્વે સગીર પુત્રીનું પેટ ઉપસી ગયું હોય માતાએ તેણીની તપાસ કરાવતા સગીર પુત્રીને પાંચ માસનો ગર્ભ હોવાનું માલુમ પડતા પરિવારજનો ચોંકી ઉઠયા હતાં. બાદમાં આ બાબતે દીકરીને પુછતા તેણીએ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, તેણીના ઘર નજીક રહેતો અને રીક્ષા ડ્રાયવિંગ કરતો રહેમાન સોહીલભાઈ શેખકાઝી સાથે નજીકમાં જ રહેતા હોવાથી ઓળખાણ થઇ હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત આગળ વધતા રહેમાને તેણીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં રહેમાને એક દિવસ તેણીને રાત્રીના સમયે પોતાના ઘરે બોલાવી હતી. જયા રહેમાને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વધુ ત્રણેક વાર સગીરાને ઘરે બોલાવી રહેમાને કુકર્મ આચર્યું હતું. જેના લીધે સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીર પુત્રીએ હકીકત જણાવતા તુરંત જ માતા-પિતાએ ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી તરૂણી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેનાર રહેમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.