સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામા નરાધમને 20 વર્ષની કેદ
સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામા નરાધમને 20 વર્ષની કેદ
February 26, 2026 03:14 PM
ઉપલેટા પોલીસ મથક વિસ્તારની 13 વર્ષની કિશોરીને શાળાએ મૂકી જવાનું કહી બાઈકમાં બેસાડી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના દોઢ વર્ષ પહેલાંના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે પીડીતાના સંબંધી કનેશ પારસીંગ કટારાને 20 વર્ષની કેદ અને દંડ તેમજ સરકારની વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ પીડિતાને વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, ઉપલેટા શહેરમાં રહેતા શ્રમિક પરિવારની 13 વર્ષની કિશોરી તારીખ 12 /7/ 24ના રોજ શાળાએ જવા નીકળ્યા બાદ ગુમ થતા અપહરણ થયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં તારીખ 27/ 7/ 25ના રોજ કિશોરી સાથે કનેશ કટારા સાથે મળી આવતા, કિશોરીની પૂછપરછમાં કિશોરી સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં કનેશે તેને સ્કૂલે મૂકી જાવ તેમ કહી બાઈકમાં બેસાડી અપહરણ કરી જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી શરીર સંબંધ બાંધ્યાનું જણાવતા પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ ધોરાજીની સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી. જેમાં સમાજ વિરોધી ગુનો છે, અદાલત સમક્ષ ભોગ બનનાર જે હકીકત જણાવે તે માની લેવું પડે તેવી આદેશાત્મક જોગવાઈ છે. આવા સંજોગોમાં આરોપીને તકસીરવાર ઠરાવવા દલીલો થઇ હતી. જે દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને લઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી કનેશ પારસીંગ કટારાને તકસીરવાર ઠરાવી ૨૦ વર્ષની કેદની સજા અને દંડ ફટકારવા ઉપરાંત ગુજરાત સરકારની વિક્ટિમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર બાળાને તેમના જીવનના પુનઃસ્થાપન માટે સહાય ચૂકવવા આદેશ કર્યો છે.