BREAKING NEWS

સસ્તા સોનાને બહાને મિત્રનું 9.50 લાખનું ફુલેકું ફેરવનારને ૧ વર્ષની કેદ

  • November 10, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સોનાના બિસ્કીટ સસ્તામાં આપવાની લાલચ આપી રૂ.૧૧.૫૦ લાખની છેતરપિંડી આચર્યાના પ્રકરણમાં સમાધાન પેટે આપેલ રૂા ૯.૫૦ લાખના બે ચેક પરત ફર્યાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા અને બંને ચેકની રકમ ૩૦ દિવસમાં ફરીયાદ કર્યાની તારીખથી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા રવિભાઈ દિનેશભાઈ નાગરેચાને તેમના મિત્ર વિશ્વજીતસિંહ ડાભી (રહે. હરિધવા પાર્ક) એ સસ્તા ભાવે સોનાના બિસ્કીટ અપાવી દેવા કહી મોબાઈલ ફોનમાં ફોટા બતાવી રૂા. ૧૧.૫૦ લાખ મેળવી લીધા હતા, પરંતુ સોનાના બિસ્કીટ નહિ આપતા રવિભાઈ નાગરેચાએ પોલીસમાં લેખિત અરજી કરતા પોલીસ સ્ટેશનમાં બન્ને બચ્ચે સમાધાન થતા આરોપી વિશ્વજીતસિંહ ડાભી દ્વારા સમાધાન પેટે રૂ.૪.૫૦ લાખ અને રૂ.૫ લાખના બે ચેક તેમજ રૂ.૨ લાખ રોકડા આપી સમાધાન કર્યું હતું. તેમાં બંને ચેક વગર વસુલાતે પરત ફર્યા હતા. જેથી ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત પાઠવેલી નોટીસ બજી જવા છતાં બંને ચેક મુજબની રકમ પરત નહિ કરતા કોર્ટમાં ધ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એક્ટની કલમ-૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ આરોપી વિશ્વજીતસિંહ ડાભીને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા અને બંને ચેક મુજબ રૂા.૯.૫૦ લાખ ફરીયાદ દાખલ કર્યાની તારીખથી ૯ ટકા વાર્ષિક વ્યાજ સાથે ૩૦ દિવસની અંદર ફરીયાદીને ન ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ સંજયભાઈ એચ. પંડયા, મનિષભાઈ એચ. પંડયા, જયદેવસિંહ ચૌહાણ અને વનરાજસિંહ જાડેજા રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application