જીમમાં કાચ ફિટિંગનું કામ ચાલુ હોય જોવા જતા સંચાલક 15 ફૂટ ઉંચેથી પટકાતા મોત, રાજકોટનો બનાવ
જીમમાં કાચ ફિટિંગનું કામ ચાલુ હોય જોવા જતા સંચાલક 15 ફૂટ ઉંચેથી પટકાતા મોત, રાજકોટનો બનાવ
February 19, 2026 04:28 PM
શહેરના કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે ડી કે બોડી બિલ્ડર્સ નામના જીમમાં 15 ફૂટની ઉંચાઈથી પટકાતા જિમ સંચાલક આધેડનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. જીમમાં કાચનું કામ ચાલતું હતું એ જોવા જતા ધ્યાન ન રહેતા નીચે પડી જવાથી બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રણછોડનગર શેરી નંબર 5 માં રહેતા દિલીપભાઈ કેશુભાઈ ગોસ્વામી (ઉં.વ. 57)ના આધેડ રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાત હનુમાન મંદિર પાસે પોતાના ડીકે બોડી બિલ્ડર્સ નામના જિમમાં તા.10ના કાચ લગાડવાનું કામ કરાવતા હતા ત્યારે ધ્યાન ન રહેતા જીમના બીજા માળેથી પટકાતા નીચે રહેલા લોખંડની એંગલ માથાના ભાગે લાગતા હેમરેજ જેવી ઈજાઓ થવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આઠ દિવસની સારવાર કારગત ન નીવડતા રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવની જાણ કુવાડવા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.