BREAKING NEWS

વીજ બચત માટે નવી સરકારી ઈમારતોમાં કુદરતી હવા-પ્રકાશની ડિઝાઈન ફરજિયાત

  • October 02, 2026 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની કચેરીઓમાં વીજળીનો વપરાશ ઘટાડવા તથા ઊર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા પંચાયત વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. નવા સરકારી ભવનોના બાંધકામથી લઈને દૈનિક કચેરીના વીજ વપરાશ સુધી વિવિધ સ્તરે વીજ બચતના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.નવા મકાનોનું આયોજન કરતી વખતે કુદરતી હવા અને પ્રકાશની પૂરતી અવરજવર રહે તેવી ડિઝાઈનને પ્રાથમિકતા આપવા જણાવાયું છે. ખાસ કરીને કોરિડોર, રૂમ અને અન્ય સ્થળોએ ક્રોસ વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાથી દિવસ દરમિયાન કૃત્રિમ લાઈટ તથા પંખાના ઉપયોગમાં ઘટાડો થઈ શકે છે. કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે બાંધકામ કરવાની દિશામાં પણ ભાર મૂકાયો છે.કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હોય ત્યારે જ જરૂરી લાઈટ, પંખા અને એરકન્ડિશનર ચાલુ રાખવા તથા કામ પૂર્ણ થયા બાદ વીજ ઉપકરણો બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. વીજ બચત માટે ઓટોમેશન ઉપરાંત મેન્યુઅલ પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવા જણાવાયું છે.દરેક રૂમમાં ઇલેક્ટ્રિક ગેજેટ્સ અને સ્વીચોને સરળતાથી નિયંત્રિત કરી શકાય તે માટે મુખ્ય સ્વીચ તથા એમ.સી.બીની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. જૂની અને વધુ વીજ વપરાશ કરતી લાઈટોના સ્થાને ઊર્જા બચત કરતી એલઈડી લાઈટ ફિટિંગ લગાવવાનું પણ ફરજિયાત બનાવાયું છે.પાણીના બોર અને મોટરના સંચાલનમાં વીજળી તથા પાણીનો બગાડ અટકાવવા ‘વોટર લેવલ ઇન્ડિકેટર કમ કંટ્રોલર’ લગાવવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે. પાણીનું સ્તર નિયંત્રિત થતાં મોટરનો બિનજરૂરી ઉપયોગ અટકાવી શકાશે.જે પંચાયતોની કચેરીઓમાં સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવી છે ત્યાં તેની નિયમિત ચકાસણી અને જાળવણી કરવા પણ સૂચના અપાઈ છે. સોલાર સિસ્ટમ સતત કાર્યરત રહે અને મહત્તમ વીજ ઉત્પાદન થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે. પંચાયત કચેરીઓમાં ઊર્જા કાર્યક્ષમતા વધારવા લેવાયેલા આ પગલાંથી લાંબા ગાળે વીજ વપરાશ અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો હેતુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application