ભારતીય માનક બ્યુરોની રાજકોટ શાખાએ શાપર (વેરાવળ) સ્થિત ગાયત્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને માર્કા વગર વેચાતા ફાઇબર રોપ્સના રૂ.૩.૫ લાખની કિંમતના કુલ ૯૨૫ બંડલ જપ્ત કર્યા હતા.
ગાયત્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉત્પાદિત થતા ફાઇબર રોપ્સ (પોલીપ્રોપીલીન રોપ્સ) પર માન્ય સીએમ/આઇ નંબર અને બીઆઇએસ સ્ટાન્ડર્ડ માર્ક વિના વેચાણનો વ્યવસાય કરવામાં આવતો હતો.
આ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝએ બીઆઈએસ એક્ટ, ૨૦૧૬ની કલમ ૧૭(૧)નું ઉલ્લંઘન કર્યું હતુ., જેથી, BIS એકટ,૨૦૧૬ની કલમ ૨૯ હેઠળ ગાયત્રી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને સજાપાત્ર ઠેરવવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વિવિધ કદના રૂ.૩.૫ લાખના ફાઇબર રોપ્સ (પોલીપ્રોપીલીન રોપ્સ)ના કુલ ૯૨૫ બંડલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કામગીરી માનક બ્યુરોના અધિકારીઓ સત્યેન્દ્ર કુમાર પાંડે, પિયુષ ગેડિયા, રાહુલ રાજપૂત, શુભમ વગેરે દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતીય માનક બ્યુરો ગ્રાહકોને આઈએસઆઈ-ચિહ્નિત વસ્તુઓના લાઇસન્સ નંબર અને ઉત્પાદનની અધિકૃતતા ચકાસવા માટે બીઆઇએસ કેર એપનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ગ્રાહકોને ઉદ્યોગો દ્વારા થતા આવા દુરુપયોગથી સાવધ રહેવા અને ભારતીય માનક બ્યુરોના સંબધિત સરનામે જાણ કરવા સુચના જારી કરાઇ છે.