રાજકોટ શહેરમાં આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં એક પણ રાઇડ્સ સંચાલક દ્વારા હજુ સુધી કોઈ અરજી કરવામાં ન આવતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. ત્યારે બે દિવસમાં રાઇડ્સના માચળા બંધાઈ ગયા બાદ એક સાથે જ લાયસન્સ માટે અરજી કરવામાં આવશે. તેમજ શહેરમાં શરૂ થઈ ગયેલા બે અને સરધારના એક મળી કુલ ત્રણ જેટલા ખાનગી મેળાને મંજૂરી આપવામાં આવી છે.જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં યોજાનારા લોકમેળાઓ માટે વિવિધ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ શહેરમાં શીતલપાર્ક પાસે અને વિરાણી હાઇસ્કૂલ ખાતે યોજાનારા ખાનગી મેળાઓને લીલી ઝંડી મળી ગઈ છે અને ગ્રામ્યમાં સરધારમાં આયોજિત એક ખાનગી મેળાને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. બીજી તરફ, રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય લોકમેળો યોજાનાર છે. આ મેળામાં કુલ ૩૪ જેટલી યાંત્રિક રાઇડ્સ ઊભી કરવાનું આયોજન ચાલી રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા રાઇડ્સના સંચાલકોને વહેલાસર પ્લોટ અને એલોટમેન્ટ લેટર પણ ફાળવી દેવામાં આવ્યા છે, જેથી તેઓ અત્યારથી જ રાઇડ્સ ફિટ કરવાની કવાયત શરૂ કરી શક્યા છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે રેસકોર્સ મેળા માટે હજુ સુધી એકપણ રાઇડ્સના સંચાલકે સત્તાવાર અરજી કરી નથી. તંત્રએ આ વખતે સુરક્ષાના નિયમો ખૂબ જ કડક બનાવ્યા છે. મેળાઓમાં રાઇડ્સ ચલાવવા માટે સંચાલકોએ સરકારની નવી એસઓપી મુજબ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા ફરજિયાત રહેશે. જેમાં ખાસ કરીને રાઇડ્સનો વીમો, સીઈ સર્ટિફિકેટ, ભાડા કરાર અથવા એલોટમેન્ટ લેટર સામેલ છે. જરૂરી ડોક્યુમેન્ટ્સ વિના એકપણ રાઇડ્સને ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઉપલેટા, ધોરાજી, ગોંડલ, જેતપુર અને ઘેલા સોમનાથ ખાતે પણ મેળાઓ યોજાવાના છે, જેના માટે અમુક અરજીઓ મળી છે. જેઓની વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મેળાની રાઇડ્સ શરૂ કરવા મંજૂરી મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application