BREAKING NEWS

ધારાસભ્યોની ગ્રાન્ટ વાપરવાના અનેક દરવાજા ખુલ્યા: મંત્રીઓની કમિટીના અહેવાલનો સ્વીકાર

  • October 30, 2025 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધારાસભ્યોની ગ્રાન્ટ કયા હેતુ માટે વાપરી શકાય તે માટેની ચોક્કસ માર્ગદર્શીકા સરકારે વર્ષો પહેલા બહાર પાડી છે. આ ગાઈડ લાઈનમાં ફેરફાર કરવા માટે ધારાસભ્યો દ્વારા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવતી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મિનિસ્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, પશુપાલન, કૃષિ, આદિજાતિ વિકાસ, સામાજિક ન્યાય સહિતના જુદા જુદા વિભાગોના મંત્રીઓની એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની બેઠક અલગ અલગ તબક્કે મળી હતી અને છેલ્લે તારીખ 5 ઓગસ્ટના રોજ મળેલી બેઠકમાં જરૂરી સુધારા વધારા સાથેનો એક રિપોર્ટ સરકારને આપવામાં આવ્યો હતો. સરકારે આ રિપોર્ટનો સ્વીકાર કર્યો છે અને હવે ધારાસભ્યોની ગ્રાન્ટ વાપરવા માટેના અનેક દરવાજા ખોલી દીધા છે.


કમિટીના રિપોર્ટનો સ્વીકાર કરતા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવે આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને વધુમાં એમ પણ જણાવ્યું છે કે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વહીવટી ગ્રાન્ટ હેઠળ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને અત્યાર સુધી રૂપિયા 50 લાખ ફાળવવામાં આવતા હતા તે હવે વધારીને 75 લાખની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધારાની આ 25 લાખની ગ્રાન્ટ શિક્ષણ આરોગ્ય અને પોષણના ક્ષેત્રમાં જ વાપરવાની રહેશે.


એમ્બ્યુલન્સ માટે રુ. 10,00,000ની મર્યાદામાં ધારાસભ્યો ગ્રાન્ટ ફાળવી શકશે

આ ઉપરાંત ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી હવે સ્મશાન સુધારણા ના કામો માટે વધુ પાંચ લાખ ફાળવવાની છૂટ આપવામાં આવી છે. સરકારી જમીન પર 10,000 ની વસ્તી દીઠ રુ. 10,00,000 ની મર્યાદામાં કોમ્યુનિટી હોલનું બાંધકામ કરી શકાશે. અત્યાર સુધી ધારાસભ્યો એક કામ માટે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી શકતા હતા તે હવે વધારીને 10 લાખની કરવામાં આવી છે. સોલાર રુફટોપ શૈક્ષણિક સંકુલોમાં મૂકવા માટે પણ ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવી શકશે. રજીસ્ટર્ડ સંસ્થાઓને એમ્બ્યુલન્સ માટે રુ. 10,00,000ની મર્યાદામાં ધારાસભ્યો ગ્રાન્ટ ફાળવી શકશે. આવી જ રીતે ગૌશાળાઓને માળખાકીય સુવિધા માટે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવવાની છુટ આપવામાં આવી છે. જળસંચયના કામ માટે શાળા કોલેજોમાં જરૂરી કામો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરી શકાશે, ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં માળખાકીય સુવિધા અને તાંત્રિક સાધન સહાય માટેના કામમાં 50% ની મર્યાદામાં મહત્તમ 10 લાખ સુધી ધારાસભ્યો ગ્રાન્ટ વાપરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application