#aajkaal team
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે ઇન્ટરનેશનલ (ODI) ટુર્નામેન્ટની બીજી મેચ આજે રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 1:30 વાગ્યે શરૂ થઇ ચુકી છે. દર્શકો સવારે 11 વાગ્યાથી સ્ટેડિયમમાં આવવા લાગ્યા હતા.
સ્ટેડિયમ બહાર ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. મેચ જોવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઇન્ડિયન ટીમની જર્સીમાં ક્રિકેટ રસીકો જોવા મળ્યા હતા. એન્ટ્રી ગેટ પર તમામ દર્શકોને ચેક કરી અંદર જવા દેવામાં આવ્યા હતા. કોઈએ હાથ પર તો કોઈએ ચેહરા પર ત્રિરંગો ચિત્રવ્યો હતો. આ દ્રષ્યોથી ક્રિકેટ ફીવર જોવા મળ્યો હતો.

મેચને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. મેચને લઈને સ્ટેડિયમ જતા રસ્તા પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મેચને લઇ પડધરી- માધાપર ચોકડી પાસે ભારે વાહનો માટે નો એન્ટ્રી

મેચ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ભારે વાહનો માટે પડધરીના મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જયારે રાજકોટથી માધાપર ચોકડી સુધી પ્રવેશબંધી કરવામાં આવી છે જેના માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ સિવાય સાત સ્થળે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જેમાં ૫૦૦૦ થી વધુ કાર અને ૫૦૦૦ થી વધુ ટુ-વ્હીલર પાર્ક થઇ શકશે.
રાજકોટ રેન્જ આજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મેચમાં બંદોબસ્તને લઇ વિગતો આપતા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું. દર વખત મેચ દરમિયાન ટ્રાફિકજામની ભારે સમસ્યા સર્જાતી હોય જે ખાસ કરીને મેચ શરૂ થતા પૂર્વે અને મેચ પુરો થયા બાદ કલાકો સુધી વાહનચાલકોની કતારો જોવા મળે છે ત્યારે ટ્રાફિકજામની આ સમસ્યાના ઉકેલ માટે આ વખત પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. પ્રેક્ષકોના વાહન પાર્કિંગ માટે ખંઢેરી ગ્રામ પંચાયત સાથે સમન્વય કરી સાત પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૫૦૦૦ કાર તથા ૫૦૦૦ ટુ-વ્હીલર પાર્ક થઇ શકશે. જે લોકોએ ઇસ્ટ પાર્કિંગનો પાસ મેળવ્યો હોય તેમણે શિવ શકિત હોટલથી યુ-ટર્ન ઇ આઉટડોર મીડિયા ગેઇટ નં.૩ થી પ્રવેશ મેળવી સ્ટેડિયમ પાસેથી ડાબી બાજુ ત્યાંના પાર્કીંગમાં વાહન પાર્ક કરવાનું રહેશે.
મેચના દિવસે સવારના ૧૦ વાગ્યાથી રાત્રીના ૧૨ કલાક દરમિયાન જામનગરથી રાજકોટ તરફ આવતા ભારે વાહનોને પડધરી મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી જે વાહનોને પડધરી-નેકનામ-મીતાણા થઇ રાજકોટ તરફ આવવા માટે રૂટ ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટથી જામનગર જતા વાહનોને રાજકોટ માધાપર ચોકડીથી મોરબી રોડ મીતાણા,ટંકારા થઇ જામનગર ધ્રોલ તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. જે અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
૩ એસસપી, ૪ ડીવાયએસપીની નીગરાનીમાં ૭૦૦ પોલીસ જવાનો- ૪૦૦ વોર્ડનનો બંદોબસ્ત
રાજકોટમાં તા.૧૪ જાન્યઆરીના ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વન-ડે મેચને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ૩ એ.એસ.પી, ૪ ડી.વાય.એસ.પી, ૧૪પી.આઇ, ૪૨ પી.એસ.આઈ, ૭૦૦ પોલીસ જવાનો, ૩૮ ટ્રાફીક પોલીસ, ટી.આર.બી. તથા જી.આર.ડીના ૪૦૦ જવાનો બંદોબસ્તમાં તેહનાત છે. પોલીસ ૧૦૦- બોડીવોર્ન કેમેરા સાથે,બી.ડી.ડી.એસ.ની ટીમ, ડોગ સ્કોડ સાથે સતત સ્ટેડીયમનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ક્રિકેટ મેચ જોવા આવતા પ્રેક્ષકો માટે માર્ગદર્શક સુચના
ઇસ્ટ સ્ટેન્ડ અને વેસ્ટ સ્ટેન્ડના દર્શકો માટે આઉટર ગેઇટ નં-૦૪ થી એન્ટ્રી કરવામાં આવશે. સ્ટેડીયમની અંદર બેગ, ટીફીન, બીડી, માચીસ, લાઇટર, કેમેરો, વિડીયો કેમેરા, લાકડી, હથિયાર એવી કોઇપણ વસ્તુ અંદર લઇ જઇ શકશે નહીં.શંકાસ્પદ હિલચાલ, શંકાસ્પદ વ્યકિત જણાય તેના ઉપર નજર રાખો.કોઇ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તેને અડવું નહીં તાત્કાલિક નજીકના પોલીસ ઓફીસરોને જાણ કરવી.સ્ટેડીયમમાં એકવાર પ્રવેશ કર્યા બાદ બહાર નિકળશો તો ફરી પ્રવેશી શકાશે નહી જો કોઇ સમસ્યા છે તો નજીકના પોલીસ ઓફીસરનો સંપર્ક કરો અથવા મેઇન એન્ટ્રી ગેઇટ ખાતે “પોલીસ સહાયતા કેન્દ્ર” ખોલવામાં આવેલ છે.