રાજકોટ યાર્ડમાં વેપારી પેઢી કાચી પડતા અનેકના નાણાં ફસાયા; હરાજી બંધ રહી

  • May 07, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં કાર્યરત એક વેપારી પેઢી કાચી પડતા અનેક વેપારીઓ, કમિશન એજન્ટ્સ તેમજ ખેડૂતો સહિતનાઓના લાખો રૂપિયા ફસાયા હોવાની ચર્ચા વચ્ચે આ મામલાના વિરોધમાં આજે હરરાજી પણ સંપૂર્ણ બંધ રહી હોવાનું જાણવા મળે છે. આ પેઢીના રૂ.૧૫થી ૨૦ કરોડના ચૂકવણા બાકી હોવાનું ચર્ચાય રહ્યું છે.

વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વિશ્વસનીય વેપારી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોંઘી જણસી જીરૂનો વેપાર કરતી અને મકર રાશિના એક અક્ષર ઉપરથી નામ ધરાવતી પેઢીના વૃષભ રાશિના એક અક્ષર ઉપરથી નામ ધરાવતા માલિક છેલ્લા ઘણા દિવસથી પોતાની પેઢી બંધ કરીને યાર્ડમાં દેખાતા બંધ થઇ જતા હોબાળો મચી ગયો છે. શરૂઆતમાં લેણદારોએ એમ માન્યું હતું કે કદાચ કોઇ કારણોસર એકાદ બે દિવસ પેઢી બંધ હશે પરંતુ લાંબો સમય સુધી પેઢી બંધ રહેતા સૌને શંકા થઇ હતી. દરમિયાન મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરવા પ્રયાસ કરતા સંપર્ક થઇ શકતો ન હોય આજે વેપારીઓ અને કમિશન એજન્ટ્સએ સાથે મળીને હરાજી બંધ રાખી હતી.

દરમિયાન ઉપરોક્ત મામલે વેપારીઓ તેમજ કમિશન એજન્ટ્સ દ્વારા જ્યાં સુધી બાકી લેણું વસુલ ન આવે ત્યાં સુધી હરાજી બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે. ટૂંક સમયમાં આ મામલે યાર્ડના પદાધિકારીઓને લેખિત રજુઆત કરાશે તેમજ જરૂર પડ્યે પોલીસમાં પણ રજુઆત કરવા જવાની તૈયારી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application