એક કર્મચારીએ જયારે તેના બોસ પાસે રજા માગી ત્યારે બોસે તેને તેનું લાઈવ લોકેશન શેર કરવાનું કહ્યું હતું જે કિસ્સો સોશિયલ મિડિયા પર વાયરલ થતા યુઝર્સે કર્મચારીના સમર્થનમાં પ્રતિક્રિયા આપતા તેને ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવ્યું અને આક્રોશ ઠાલવ્યો કે આવું ઓફીસ કલ્ચર અનેક સવાલો ખડા કરી રહ્યું છે.
આ કર્મચારીનો આરોપ છે કે તેના બોસે તેને બીમાર રજા લેવા માટે તેનું લાઈવ લોકેશન શેર કરવાનું કહ્યું. વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સાથે સામે આવેલી આ ઘટનાએ ગોપનીયતા, વિશ્વાસ અને મેનેજમેન્ટ વર્તણૂક અંગે નવી ચર્ચા જગાવી છે. વાયરલ પોસ્ટ મુજબ, કર્મચારીના બોસે બીમારીની રજા માટે અરજી કરનાર કર્મચારી પાસેથી લાઇવ લોકેશન માંગ્યું હતું. બોસે જણાવ્યું હતું કે આ કંપનીની એચઆર નીતિનો ભાગ છે. આ ઘટના બાદ, લોકો કાર્યસ્થળની ગોપનીયતા અને કર્મચારીના અધિકારો અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.
એચઆરએ બીમારીનો પુરાવો માંગ્યો
એક કર્મચારીએ સોશિયલ મીડિયા પર તેના બોસના વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી છે. કર્મચારીનું કહેવું છે કે બીમારીની રજા લેવા માટે બોસે તેનું લાઇવ લોકેશન માંગ્યું હતું, જે તેને સંપૂર્ણપણે અયોગ્ય લાગ્યું. કર્મચારીએ સમજાવ્યું કે તેને માથાનો દુખાવો ખૂબ જ હતો અને તેણે રજા લીધી. જ્યારે બીજા દિવસે પણ તેની તબિયત સારી ન લાગી, ત્યારે તેણે ફરીથી રજાની વિનંતી કરી. બોસે તેને એચઆર સાથે વાત કરવા કહ્યું, જેણે બીમારીનો પુરાવો માંગ્યો.
જ્યારે કર્મચારીએ તેના બોસને આ વિશે કહ્યું, ત્યારે તેણે તેને વોટ્સએપ પર તેનું લાઇવ લોકેશન શેર કરવા કહ્યું. જ્યારે કર્મચારીએ પૂછ્યું કે લોકેશન શા માટે જરૂરી છે, ત્યારે બોસે કહ્યું કે તે એચઆર નીતિ હેઠળ જરૂરી છે. કર્મચારીએ તેને તેની ગોપનીયતા પર આક્રમણ ગણાવ્યું અને પૂછ્યું કે શું તે યોગ્ય છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી, ઘણા લોકોએ કહ્યું કે બીમારીની રજા માટે લાઇવ લોકેશન માંગવું ખોટું છે અને ગોપનીયતાનું ઉલ્લંઘન છે.