BREAKING NEWS

રાજકોટમાં સ્ત્રી મિત્રને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરનાર પરિણીત પ્રેમીએ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો

  • March 09, 2026 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કોઠારીયા સોલવન્ટમાં શીતળાધાર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા મહિલા ઉપર જૂનાગઢના ભેસાણ પંથકના પરણિત પ્રેમીએ આજે સવારે છરીના આડેધડ ઘા ઝીંકતા પેટ, છાતી અને ગળાના ભાગે ઈજાઓ થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પરણિત પ્રેમી મહિલા સાથે મૈત્રીકરાર કરી રહેતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સ્થિત પ્રેમિકા સાથે ઓછો અને વતનમાં રહેતી પત્ની સાથે વધુ રહેતો હોવાથી મહિલાએ મૈત્રી કરાર છુટા કરવાનું કહેતા આજે રાજકોટ આવી છરી વડે હુમલો કરી નાસી છૂટ્યો હતો બાદમાં કોઠારીયા નજીક ટ્રેન હેઠળ કૂદી આપઘાત કરી લેતા અનૈતિક સઁબઁધનો અંત આવ્યો છે.


શહેરના કોઠારીયા સોલવન્‍ટ શીતળાધારમાં રહેતાં મુળ જુનાગઢના બરવાળા-ભેંસાણના મહિલા પર તેના જ પુરૂષમિત્રએ વહેલી સવારે છરીથી હુમલો કરી ગળા, છાતી, પેટ પર આડેધડ ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરાયા છે. પતિ સાથે સાત વર્ષ પહેલા છુટાછેડા લીધા બાદ આ મહિલાએ ગામના જ પુરૂષ સાથે મૈત્રીકરાર કર્યા હતાં અને રાજકોટ રહેતાં હતાં. જો કે હવે આ પુરૂષમિત્ર મોટે ભાગે રાજકોટ રહેવાને બદલે તેના વતનમાં પત્‍નિ પાસેજ રહેતો હોઇ મહિલાએ મૈત્રી છુટી કરવાનું અને ફરી પોતાના અગાઉના પતિ પાસે જવાની વાત કરી હોઇ આ બાબતનો ખાર રાખી પુરૂષ મિત્ર સવારે ગામડેથી આવ્‍યો હતો અને મહિલાનું મોઢું દાબી દઇ છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો બાદમાં કોઠારીયા સોલવન્ટ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા પોલીસ દોડી ગઈ હતી.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ શીતળાધાર ૨૫ વારીયામાં શેરી નં. ૨૯માં રહેતાં કાજલબેન ભુપતભાઇ ગોંડલીયા (ઉ.વ.૪૫)ના સવારે પાંચેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે ભેંસાણના બરવાળા ગામે રહેતો પુરુષમિત્ર હિંમત વાળાએ આવી છરીથી હુમલો કરતાં ગળા, છાતી, પેટના ભાગે ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.


કાજલબેન મુળ મહારાષ્‍ટ્રના છે. અને લગ્ન બરવાળાના ભુપતભાઇ ગોંડલીયા સાથે થયા છે. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. દીકરા સાગરના જણાવ્યા મુજબ મારા માતા કાજલબેનનો સંપર્ક સાતેક વર્ષ પહેલા ગામના જ હિમત નામના વ્યક્તિ સાથે થયો હતો ત્‍યારથી માતા અને મારા પિતા વચ્‍ચે રોજ બેરોજ ઝગડાઓ થતા હતા પછી મારા મમ્‍મીએ છુટાછેડા લઇ લીધા હતાં અને તે રાજકોટ હિંમત સાથે રહેવા આવી ગયા હતાં. આ બંને મૈત્રી કરારથી રહેતાં હતાં. હિમત પરણેલો હોઇ અને તેને સંતાન પણ હોઇ તે ગામમાં પોતાના પરિવાર સાથે પણ રહેતો હતો અને રાજકોટ મારા મમ્‍મી સાથે પણ રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી હિમત વતનમાં તેના પત્‍નિ સાથે જ રહેતો હોઇ આથી મારા મમ્‍મીએ તેની સાથે મૈત્રી કરાર પુરા કરી ફરીથી મારા પિતા સાથે તે રહેવા જવાની વાત કરતા હિમત ઉશ્કેરાયો હતો અને આજે સવારે પાંચેક વાગ્‍યે રાજકોટ આવી વાતચીત કર્યા બાદ તેણીનું મોઢુ દબાવી દઇ છરીથી તૂટી પડયો હતો. બાદમાં તે ભાગી ગયો હતો. દેકારો થતા બાજુમાં રહેતા મહિલા આવી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં કાજલબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા માતાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. બનાવના પગલે આજીડેમ પોલીસે હિંમતની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન કોઈ પુરુષએ કોઠારીયા સોલવન્‍ટ શિતળાધાર ત્રણ માળીયા ક્‍વાર્ટર નજીક ટ્રેન હેઠળ કૂદીને આપઘાત કરી લીધો હોવાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની ઓળખ મેળવતા મૃતદેહ હિમતભાઇ ગોબરભાઇ વાળા (ઉ.વ.૪૫)નો હોવાનું જાણવા મળતા તેમના સગા સ્‍વજનોને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવવામાં આવ્‍યું હતું.

આપઘાત કરનાર હિમતભાઇ યાર્ડમાં ફેરા કરતાં હતાં. તે ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક દિકરો છે. બનાવથી અનૈતિક સઁબઁધનો અંત આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News