શહેરમાં આત્મહત્યાના દિવસેને દિવસે વધતા બનાવોમાં વધુ એક પરિણીતાએ સ્યુસાઇડ કરી લીધાનું પોલીસમાં નોંધાયું છે. માવતરના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ જામનગર સ્થિત પતિ સામે કોર્ટ કેસ કર્યો હોય આ કેસના ધક્કા ખાઈને કંટાળી ગઈ હોવાનો તેના ભાઈના મિત્રને વિડીયો કોલ કરી ફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાના મોતથી સાત વર્ષના પુત્રને માતાનો છાંયો ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાવડીના ૮૦ ફુટ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે ગોવિંદરત્ન એપાર્ટમેન્ટમાં રહેતી ઉર્વશીબેન નયનભાઇ ધોકીયા (ઉ.વ.૩૦) ની પરિણીતાએ રાત્રીના બારેક વાગ્યે ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત પૂર્વે ભાઈ યાજ્ઞિકના મિત્રને વિડીયો કોલ કરી કોર્ટ કેસના ધક્કા ખાઈ કંટાળી ગઈ હોવાની રુદન સાથે વાતચીત કરી હતી જે બાદ પગલું ભરી લીધું હતું.
આપઘાત કરનાર ઉર્વશીબેનના લગ્ન 10 વર્ષ પહેલા જામનગર રહેતા નયનભાઈ ધોકીયા સાથે થયા છે, સંતાનમાં સાત વર્ષનો પુત્ર છે. પતિ સાથે મનમેળ ન હોવાથી ત્રણેક વર્ષથી રાજકોટમાં ગોવર્ધન ચોકમાં રોયલ એલીગરેન્ટ એપાર્ટમેન્ટમાં માવતરે આવી ગઇ હતી. જે બાદ પુત્ર સાથે ગોવિંદરત્ન એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. અને ઘર નજીક કપડાંની દુકાન ચલાવતી હતી. ગઇકાલે દિકરો તેના નાના-નાનીના ઘરે હોઇ ત્યારે રાત્રીના બારેક વાગ્યે ભાઇના મિત્રને વિડીયો કોલ કરી પોતે કોર્ટ કેસના ધક્કા ખાઇને હવે કંટાળી ગઈ છું, હવે મરી જવું છે તેમ વાત કરતા તેણીનો ભાઇ અને ભાઇનો મિત્ર તુરત જ ઘરે પહોંચ્યા હતાં ત્યાં બહેનને લટકતી જોઈ તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
આ બનાવની જાણ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરતા પોલીસએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવના પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.