BREAKING NEWS

પતિ અને માવતર સાથે વીડિયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાએ ફાંસો ખાઈ જીવ દીધો

  • October 15, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપઘાતના બનાવો રોજ બેરોજ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક બનાવમાં કારણ પણ સામે આવી રહ્યા નથી ત્યારે ગઈકાલે નવોઢાના આપઘાત બાદ વધુ એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે, કોઠારીયા રોડ પર ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતી પરિણીતા અને પુત્ર ઘરે એકલા હોય ત્યારે રાત્રીના પતિ સાથે વીડિયોકોલમાં વાત કર્યા બાદ પંખામાં ચૂંદડી બાંધી લટકી જઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવના પગલે ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.


આત્મહત્યાના બનાવની પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર નવા 40 ફૂટ રોડ નજીક આવેલી ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતી કોમલબેન કિશનભાઈ ખૂંટ (ઉ.વ.31)ની પરિણીતાએ ગઈ રાત્રીના પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ચાર વર્ષનો પુત્ર કિયાન રમતા રમતા રૂમમાં આવતા માતાને લટકતી હાલતમાં જોઈ બહાર બેઠેલા પડોશીનોને વાત કરતા પડોશીઓ અંદર આવીને જોતા કોમલબેન લટકતા હતા. આથી તાકીદે પતિને ફોન કરી જાણ કરતા પરિવારજનો સહિતના દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી. 108ની ટીમ સ્થળ પર પહોંચી ઇએમટીએ જોઈ તપાસી પરિણીતાને મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો.

આપઘાત કરનાર કોમલબેનનું માવતર ગોંડલના ધુડેશીયા ગામે છે અને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર કિયાન છે, પતિ કિષ્નભાઈને સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જોગમાયા એન્ટરપ્રાઇઝ નામનું સીએનસી જોબવર્કનું કારખાનું છે. ગઈકાલે રાત્રે પતિ સાથે વીડિયોકોલમાં વાત કરી હતી બાદમાં માવતરમાં પણ વીડિયોકોલ કર્યો હતો અને કુટુંબમાં લગ્ન હોય તેની તૈયારી બાબતે વાતચિત્ત કરી હતી. ત્યાર બાદ આ પગલું ભરી લીધું હતું. તેણીએ આવું ક્યાં કારણોસર કર્યું તે અંગે સૌ અચરજ પામ્યા છે. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application