BREAKING NEWS

શાપરમાં પરિણીતા પાસે બિભત્સ માંગણી કરી છેડતી: મહિલાના પતિ અને પુત્રને માર માર્યો

  • December 26, 2025 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપરમાં કામેથી સમી સાંજના ઘરે જઇ રહેલી પરિણીતાનો પીછો કરી બે શખસોએ બિભત્સ માંગણી કરી છેડતી કરી હતી. પરિણીતાએ તેના પતિ-પુત્રને બોલાવી લેતા આ બે શખસો તથા અન્ય શખસે મળી ધોકા વડે મારમારી તલવાર ઝીંકવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પરિણીતાની ફરિયાદ પરથી શાપર પોલીસે ત્રણ શખસો સામે છેડતી, મારમારી, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


મૂળ સુરેન્દ્રનગર પંથકના વતની અને હાલ પારડી રહેતા 32 વર્ષીય પરિણીતાએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના 8:30 વાગ્યે આસપાસ તે ઘરેથી શાપર કારખાને કામે ગયા હતા અને કામેથી સાંજના સાત વાગ્યે છુટી ચાલીને ઘરે એકલા જતા હતા. ત્યારે રેપ્યુટ ગેટથી છોડે દૂર સાંજના સાડા સાતેક વાગ્યે પહોંચતા ત્યાં અંધારામાં બે માણસો ઉભા હતા તેમાંથી એક વ્યક્તિએ પરિણીતા પાસે આવી બીભત્સ માંગણી કરી હતી. જેથી તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો અને તેઓ આગળ ચાલતા લાગતા આ બંને શખસો તેની પાછળ પાછળ આવ્યા હતા અને ફરી બિભત્સ માંગણી કરી હતી જેથી તેમણે આવું ન કરવાનું કહેતા આ બંને બોલાચાલી કરવા લાગ્યા હતા અને છેડતી કરી ગાળો પણ આપવા લાગતા પરિણીતાએ તેના પુત્ર ને ફોન કર્યો હતો.


થોડીવારમાં પરિણીતાઓ પુત્ર ત્યાં આવી ગયો હતો અને બાદમાં તેના પતિ પણ આવી ગયા હતા. ત્યારે પણ આ બંને શખસો ફરિયાદીના પતિ અને પુત્રને પણ ગાળો આપવા લાગ્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન એક અન્ય શખસ પણ તલવાર લઈને આવ્યો હતો અને મારવાની કોશિશ કરી હતી તેમજ એક શખસે લાકડાના ધોકા વડે મારતા ફરિયાદીના પતિને જમણા હાથમાં ઇજા પહોંચી હતી. પરિણીતાના દીકરાને પણ મુંઢ માર્યો હતો. બાદમાં આ શખસોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


ત્યારબાદ પરિણીતા અને તેના પતિ અને પુત્ર અહીંથી ચાલ્યા ગયા હતા. જેમાં ફરિયાદી અને તેના પુત્રને છોલછાલ જેવી ઇજા થઈ હતી જ્યારે તેના પતિને આંગળીમાં ઇજા પહોંચી હતી. આ મામલે પરિણીતાએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ 75(3), 115 (2), 352 351(2), 54 તથા જીપીએફ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application