BREAKING NEWS

ક્યુએસ એશિયા રેન્કિંગમાં મારવાડી યુનિવર્સિટીનો ડંકો

  • November 06, 2025 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની મારવાડી યુનિવર્સિટીએ ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ-2026માં ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. દેશમાં 48મો, દક્ષિણ એશિયામાં 87મો અને એશિયામાં 353મો રેન્ક મેળવ્યો છે. ગુજરાતમાં મારવાડી યુનિવર્સિટી રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની ગઈ છે. જેનાથી રાજકોટ, સૌરાષ્ટ્ર જ નહીં પણ આઘા ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ મેળવવા બદલ મારવાડી યુનિવર્સિટી પર ગુજરાત, દેશ અને વિશ્વભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર મારવાડી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર આર બી જાડેજા અને ટ્રસ્ટી ધ્રુવ મારવાડી ખાસ આજકાલ સાંધ્ય દૈનિકના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી સાથે ખાસ મુલાકાત કરી હતી. તેઓએ આજકાલ સાથે આ સિદ્ધિ મળવા અંગેના વિષયો પર ચર્ચા કરી હતી.


મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટી આજે એશિયાની યંગેસ્ટ યુનિવર્સિટી બની ગઈ છે. અમે 353 રેન્ક પર ડેબ્યુ કર્યું છે. આ આપણને ગુજરાતની નંબર વન ખાનગી યુનિવર્સિટી પણ બનાવે છે. ગુજરાતની દસ યુનિવર્સિટી છે જેમાં અમને સેન્ટર ઓફ એક્સેલન્સ મળ્યું છે. અમારી પાસે એનબીએ એક્રેડિશન પણ છે. આ બધુ પ્રૂફ કરે છે કે યુનિવર્સિટીની ક્રેડેબિલિટી અને ક્વોલિટી શું છે. હવે અમે ગ્લોબલ લેવલ પર જઈ રહ્યા છીએ. ત્યારે અમે ઘણી ફેકલ્ટી લાવી શકીશું. આ માટે મને બહુ ગર્વ થાય છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ જે ગ્લોબલ લેવલનું રેન્કિંગ છે તે કંપનીને જઈને પૂછ્યુ હોય કે મારવાડી યુનિવર્સિટીની રેપ્યુટેશન કેવી છે. ઈન્ટરનેશનલ યુનિવર્સિટી કે જેની સાથે ટાઈપ હોય તેને જઈને પૂછ્યું હોય કે આપણી રેપ્યુટેશન કેવી છે. આ બધુ થયા પછી આ રેન્ક અમને મળ્યો છે. આ રેન્ક સ્ટુડન્ટ માટે બન્યો છે. બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટે આ રેન્ક ખૂબ જ મહત્વનો છે. અમારું લક્ષ્ય હજી આમાં આગળ વધવાનું છે.


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખતો વખત ટ્વીટ કરીને જે ક્યુએસ યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની યુનિવર્સિટીઓના ગૌરવસભર પ્રવેશ અંગે ઉલ્લેખ કર્યો છે, તે જ ક્યુએસ એશિયા રેન્કિંગ 2026 હવે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની અગ્રણી ખાનગી સંસ્થાઓમાંની એક મારવાડી યુનિવર્સિટીએ ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ-2026માં ગૌરવસભર પ્રવેશ કરીને એશિયામાં 353મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે અત્યાર સુધી કોઈપણ ભારતીય યુનિવર્સિટીએ પોતાના પ્રથમ પ્રયત્નમાં મેળવેલું સૌથી ઊંચું સ્થાન છે.


ગુજરાત સરકારના નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરાયેલ રિસર્ચ ઇન્સેન્ટિવ સ્કિમ 2023-25 હેઠળ રાજ્યભરના કુલ 80 સંશોધન પેપરમાંથી 42 સંશોધન પેપર માત્ર મારવાડી યુનિવર્સિટીના પસંદ થયા હતા. જે રાજ્યની કોઈપણ એક સંસ્થાના સૌથી વધુ છે. આ સિદ્ધિ મારવાડી યુનિવર્સિટીને ગુજરાતના સંશોધન ક્ષેત્રમાં અગ્રણી યોગદાન આપતી યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરે છે.


આ સિદ્ધિ સાથે મારવાડી યુનિવર્સિટી ગુજરાતની નંબર વન ખાનગી યુનિવર્સિટી, ગુજરાતમાં દ્વિતીય (આઈઆઈટી ગાંધીનગર પછી), ભારતમાં 48મી અને દક્ષિણ એશિયામાં 87મી યુનિવર્સિટી તરીકે સ્થાન ધરાવે છે. આ ગૌરવસભર સ્થાન મારવાડી યુનિવર્સિટીની શૈક્ષણિક ઉત્તમતા, સંશોધન ક્ષમતા અને વૈશ્વિક ઉપસ્થિતિનો પુરાવો આપે છે. ખાસ કરીને, મારવાડી યુનિવર્સિટી એશિયાની સૌથી યંગેસ્ટ ખાનગી યુનિવર્સિટી છે, જેને પ્રથમ જ પ્રયાસમાં ક્યુએસ રેન્કિંગ્સમાં સ્થાન પ્રાપ્ત થયું છે.


આ એજીબિલિટી ક્રાઈટએરિયામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જે યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો રિસર્ચ પેપર પ્રકાશિત કરતા નથી તે યુનિવર્સિટી ક્યુએસ રેન્કિંગમાં ભાગ લઈ શકતી નથી અને તેની ગણતરી રેન્કિંગમાં કરવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સિટીની ક્યુએસ એશિયા રેન્કિંગ-2026માં પ્રવેશ મેળવવાની સિદ્ધિ માત્ર શૈક્ષણિક ગુણવત્તા નહીં, પરંતુ તેની મજબૂત સંશોધન સંસ્કૃતિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે.


ક્યુએસ ક્વાક્વેરેલી સાયમન્ડ્સ દ્વારા દર વર્ષે પ્રકાશિત થતી આ રેન્કિંગ્સ એશિયાભરની યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન એકેડેમિક રેપ્યુટેશન, એમ્પ્લોયર રેપ્યુટેશન, સંશોધન ગુણવત્તા અને સિટેશન્સ, ફેકલ્ટી–સ્ટુડન્ટ રેશિયો, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એન્ડ ફેકલ્ટી અને ઈન્ટરનેશનલ રિસર્ચ નેટવર્ક સ્ટાફ વીથ પીએચડી જેવા મુખ્ય પરિમાણોના આધારે કરે છે


આ રેન્કિંગ્સ એ એશિયાના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા, નવીનતા અને સંશોધન ક્ષમતાના પ્રદર્શન માટે મહત્વપૂર્ણ માપદંડ તરીકે માન્ય છે.ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં સામેલ થવા માટે કોઈપણ યુનિવર્સિટીએ યુનિવર્સિટી પાસે અંડરગ્રેજ્યુએટ તથા પોસ્ટગ્રેજ્યુએટ સ્તરના પૂર્ણ ડિગ્રી કાર્યક્રમો હોવા જોઈએ, ઓછામાં ઓછા બે ફેકલ્ટી એરિયામાં (જેમ કે એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ વગેરે) દરેક ક્ષેત્રમાં બે વિષયો હોવા જોઈએ, દરેક વિષયમાં ઓછામાં ઓછા ત્રણ બેચના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પાસ થયેલા હોવા જોઈએ અને છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 50 રિસર્ચ પેપર Scopus ડેટાબેઝમાં પ્રકાશિત થયેલા હોવા જોઈએ જેવી શરતો પૂર્ણ કરવી આવશ્યક છે


ડો. સંજીત સિંહ, પ્રો વાઇસ-ચાન્સેલર, જણાવ્યું હતું કે, ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં 353માં ક્રમે અમારો પ્રવેશ સમગ્ર મારવાડી યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. આ પ્રતિષ્ઠિત માન્યતા અમારા વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને નેતૃત્વના સમૂહ પ્રયત્નોનો પુરાવો છે. પ્રથમ જ પ્રયત્નમાં આટલું ઊંચું સ્થાન મેળવવું એ ગુણવત્તાસભર શિક્ષણ, ઉત્તમ સંશોધન અને વૈશ્વિક જોડાણ માટેની અમારી અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. કો-ફાઉન્ડર જીતુભાઈ ચાંદરણાં જણાવે છે કે, મારવાડી યુનિવર્સિટી હંમેશાં ગુણવત્તાસભર શિક્ષણ, નવીનતા અને સામાજિક પ્રભાવ માટે પ્રતિબદ્ધ રહી છે. યુનિવર્સિટી પાસે એનબીએ માન્યતા ધરાવતી વિવિધ શાખાઓ છે અને નેક એ પ્લસ ગ્રેડની પ્રતિષ્ઠિત માન્યતા ધરાવે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક્સ પર લખ્યું હતું કે, છેલ્લા દાયકામાં ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓની સંખ્યામાં રેકોર્ડ વધારો જોઈને આનંદ થયો. અમારી સરકાર સંશોધન અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણા યુવાનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સમગ્ર ભારતમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓને સક્ષમ બનાવીને આ ક્ષેત્રમાં સંસ્થાકીય ક્ષમતાઓનું નિર્માણ પણ કરી રહ્યા છીએ.


મારવાડી યુનિવર્સિટીનું ભારતની ટોપ 150 યુનિવર્સિટીઓમાં સ્થાન

મારવાડી યુનિવર્સિટી 2021થી ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે માન્યતાનો વિશેષ દરજ્જો ધરાવે છે. તેમજ એનઆઈઆરએફ 2025 મુજબ ભારતની ટોપ 150 યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવે છે. ફાર્મસી વિભાગ ટોપ 125, એન્જિનિયરિંગ વિભાગમાં ટોપ 300માં સ્થાન ધરાવે છે. વૈશ્વિક સહભાગિતા, સંશોધન નવીનતા, ઉદ્યોગ જોડાણ અને સર્વાંગી વિકાસ પર ધ્યાન એ તેમની વિશેષતાઓ છે. મારવાડી યુનિવર્સિટી સતત ક્વોલિટી એજ્યુકેશન વીથ ગ્લોબલ વિઝનના સિદ્ધાંત પર આગળ વધી રહી છે અને રાજ્ય તેમજ રાષ્ટ્રના શૈક્ષણિક નકશા પર નવી ઉંચાઈઓ હાંસલ કરી રહી છે.


વિશ્વની 15000 યુનિવર્સિટીઓ આ રેન્કિંગમાં ભાગ લે છેઃ આર બી જાડેજા

મારવાડી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર આર બી જાડેજાએ જણાવ્યું હતું કે, ચાર નવેમ્બર મારવાડી યુનિવર્સિટી માટે પ્રાઉડ દિવસ રહ્યો હતો. પહેલીવાર મારવાડી યુનિવર્સિટીએ એન્ટ્રી લીધી. મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ દ્વારા જે રિસર્ચ કરવામાં આવ્યું છે તેના પર સાયટેશન છે એના પરથી આ રેન્ક નક્કી કરવામાં આવે છે. એક્સચેન્જ પ્રોગ્રામના પેરામિટર્સ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ રેન્કિંગ ગ્લોબલ છે કોઈ લોકલ નથી. વિશ્વની 15000 યુનિવર્સિટીઓ આ રેન્કિંગમાં ભાગ લે છે. એમાંથી માત્ર 10 ટકા યુનિવર્સિટીઓ આ રેન્કિંગ માટે પસંદગી પામે છે. તેમાંય 353મો રેન્ક મેળવવો એ ખૂબ જ ગૌરવની વાત છે.


ગુજરાતની યુનિ.ઓમાં ક્યુએસ એશિયા રેન્કિંગ-2026

ક્રમ યુનિ.નામ રેન્ક

1 IIT ગાંધીનગર 300

2 મારવાડી યુનિવર્સિટી 353

3 અમદાવાદ યુનિવર્સિટી 851–900

4 પીડીઇયુ 851–900

5 પારૂલ યુનિવર્સિટી 1001–1100

6 નિરમા યુનિવર્સિટી 1001–1100

7 એમ.એસ. યુનિવર્સિટી 1101–1200

8 ગણપત યુનિવર્સિટી 1101–1200

9 સરદાર પટેલ યુનિવર્સિટી 1201–1300

10 ગુજરાત યુનિવર્સિટી 1301–1400

11 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 1301–1400

12 સંકલચંદ પટેલ યુનિવર્સિટી 1301–1400

13 વીર નર્મદ યુનિવર્સિટી 1301–1400



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application