BREAKING NEWS

સુરતની 'ક્રિષ્ના સિલ્ક મિલ'માં અચાનક બોઇલર ફાટતાં ભીષણ આગ: 4 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા, કર્મચારીઓમાં નાસભાગ મચી

  • October 13, 2026 07:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરમાંથી ફરી એકવાર ચોંકાવનારી ઔદ્યોગિક દુર્ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 2 પર આવેલી 'ક્રિષ્ના સિલ્ક મિલ'માં અચાનક બોઇલર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે મિલમાં કામ કરી રહેલા શ્રમિકોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 4 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોની ઓળખ 34 વર્ષીય વિકાસ કદમ, 21 વર્ષીય સૂરજ, 36 વર્ષીય દીપક પાટીલ અને 34 વર્ષીય કરણ તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર, મિલમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી ત્યારે કોઈ ટેકનિકલ ખામી કે અતિશય દબાણના કારણે બોઇલરમાં ધડાકો થયો હતો. બ્લાસ્ટની સાથે જ મિલમાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, જેમાં નજીક કામ કરી રહેલા આ ચારેય કર્મચારીઓ આગની ઝપેટમાં આવી ગયા હતા.


દુર્ઘટના બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ચારેય ઈજાગ્રસ્તોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને બર્ન્સ વોર્ડમાં ફરજ પરના ડૉક્ટરો દ્વારા ચારેય દર્દીઓની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી દેવામાં આવી છે.


​​​​​​​સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. શીતલ ખેરડિયાના જણાવ્યા અનુસાર, આ તમામ દર્દીઓ અંદાજે 50 થી 55 ટકા જેટલા ગંભીર રીતે દાઝી ગયા છે. 55 ટકા સુધી દાઝેલા હોવાથી અને શારીરિક ઈજાઓ જોતાં તમામની સ્થિતિ નાજુક ગણવામાં આવી રહી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ફેક્ટરીમાં સુરક્ષાના નિયમો અને બોઇલર બ્લાસ્ટ પાછળના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application