BREAKING NEWS

શિમલા-મનાલીથી લઈને નૈનીતાલ સુધી ભારે ટ્રાફિક જામ: વીકેન્ડમાં પ્રવાસીઓનો ઘોડાપૂર, કેંચી ધામમાં પગ મૂકવાની જગ્યા નથી

  • October 03, 2026 11:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીકેન્ડની લાંબી રજાઓના કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્ય પહાડી વિસ્તારો અને પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘોડાપૂર જોવા મળી રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના પડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો પહાડો તરફ વળ્યા છે, જેના કારણે શિમલા, મનાલી અને નૈનીતાલ જેવા પ્રખ્યાત હિલ સ્ટેશનો પર ગંભીર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. પહાડી રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે અને લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચતા હોટલોમાં રૂમ મેળવવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

એક તરફ રોહતાંગ પાસ ખાતે પડી રહેલી હિમવર્ષા અને લાહૌલ સ્પીતિનું આહલાદક વાતાવરણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે, તો બીજી તરફ અચાનક વધી ગયેલા વાહનોના કારણે મનાલીના સોલાંગ ઘાટી માર્ગ અને હિંડિમ્બા દેવી મંદિર તરફ જતા રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે. તેવી જ રીતે ઉત્તરાખંડના નૈનીતાલ અને કેંચી ધામ ખાતે પણ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની ભારે ભીડ જામી છે, જ્યાં પગ મૂકવાની પણ જગ્યા બચી નથી.


રાજધાની શિમલાની વાત કરીએ તો પર્યટન સીઝનની વચ્ચે ટ્રાફિકનું દબાણ સતત વધી રહ્યું છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે શોઘી બેરિયર પરથી કુલ 16,277 વાહનો શિમલા શહેરમાં પ્રવેશ્યા હતા, જેમાં અંદાજે 7,060 વાહનો અન્ય રાજ્યોના હતા. સામાન્ય દિવસોમાં પણ દરરોજ લગભગ 10,000 વાહનો શિમલા પહોંચતા હોય છે. પરંતુ રજાઓના ગાળા દરમિયાન એક જ અઠવાડિયામાં શિમલા પહોંચતા વાહનોની સંખ્યા 70,000 થી 80,000 સુધી પહોંચી જાય છે, જેમાંથી લગભગ 50 ટકા વાહનો બહારના રાજ્યોના હોય છે.


​​​​​​​શહેરમાં હજારોની સંખ્યામાં વાહનોના પ્રવેશને કારણે તમામ મુખ્ય રસ્તાઓ, પાર્કિંગ વિસ્તારો અને પ્રવાસન સ્થળો નજીક વાહનવ્યવહાર ખોરવાયો છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. જોકે, અસાધારણ ભીડના કારણે રસ્તાઓ ખુલ્લા કરાવવામાં તંત્રને ભારે કસરત કરવી પડી રહી છે. પહાડી વિસ્તારોની મુલાકાતે આવતા પ્રવાસીઓને અગાઉથી હોટલ બુકિંગ કરીને જ આવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application