સુરતના પલાસાણામાં બાલાજી કેમિકલ નામની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગની ઝપેટમાં કેમિકલ ભરેલા ટેન્કર સહિત અન્ય વાહનો આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની દસથી વધુ ગાડીઓ દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે ચાર કલાકની ભારે જહેમત બાદ, બપોરે 2:30 વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હાલ ઘટનાસ્થળે કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે જેથી ફરીથી આગ ફાટી ન નીકળે. ભયાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં પણ દોડધામ વધી ગઈ હતી. આગ કાબૂમાં આવે એ પહેલા ફેક્ટરીમાં મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈગયો હતો. આથી મોટું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી જેને તાત્કાલિક સારવાર માટે પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકામાં માખીગા ગામે આવેલી બાલાજી કેમિકલ ફેક્ટરીમાં આજે સવારે ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કેમિકલ ભરેલા ટેન્કર સહિત અન્ય વાહનો પણ ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન કોઈ કારણોસર આગ લાગી હતી.

આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. સ્થિતિને જોતા તાત્કાલિક ધોરણે અલગ-અલગ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી. બારડોલી, કડોદરા, કામરેજ, સચિન-હોજીવાળા, નવસારી અને સુરત મહાનગરપાલિકાની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. 10થી વધુ ફાયર ફાઈટરો દ્વારા કેમિકલની આગ હોવાથી પાણીની સાથે ફોમનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા પલસાણા પોલીસ અને મામલતદાર સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ હોવાથી પોલીસે લોકટોળાને દૂર કરી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. કેમિકલના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને કંપની પરિસરમાં ઉભેલા અન્ય વાહનોને પણ પોતાની ચપેટમાં લીધા હતા. આ અકસ્માતમાં એક કેમિકલ ભરેલું ટેન્કર, એક ટેમ્પો અને એક મોપેડ બળીને ખાખ થઈ ગયા હતા.