BREAKING NEWS

સુરતમાં ઈવી શો-રૂમમાં લાગી ભીષણ આગઃ 15થી વધુ વાહનો બળીને ખાક

  • June 18, 2026 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી આગની ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા નજીક આવેલા ટીવીએસ ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી)ના શો-રૂમમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આગની જ્વાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાજુની દુકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આ ભીષણ આગમાં શો-રૂમ અને બહાર પાર્ક કરેલા અંદાજે ૧૫થી વધુ કિંમતી વાહનો બળીને સંપૂર્ણપણે રાખ થઈ ગયા હતા, જેને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, શો-રૂમ ખુલવાની તૈયારીઓમાં હતો ત્યારે અચાનક અંદરથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ઇલેક્ટ્રિક વાહનોમાં રહેલી લિથિયમ-આયન બેટરીઓ અને અન્ય જ્વલનશીલ સ્પેરપાર્ટ્સના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. થોડી જ મિનિટોમાં આગ એટલી પ્રચંડ બની કે તેની કાળઝાળ જ્વાળાઓ બાજુમાં જ આવેલી 'એપોલો ફાર્મસી' અને 'ક્રિષ્ના રેસ્ટોરન્ટ' (હોટેલ) સુધી પહોંચી ગઈ હતી. આ બંને વેપારી સંસ્થાનોમાં પણ આગના કારણે ભારે નુકસાન થયું હતું. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈને સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ભય અને નાસભાગ મચી ગઈ હતી.

આ કાળઝાળ આગની ઘટના અંગે સુરત ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા કંટ્રોલ રૂમ દ્વારા પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા સહિત કુલ પાંચ જુદા-જુદા ફાયર સ્ટેશનોની ૧૦થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ અને વોટર બ્રાઉઝરને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગના જવાનોએ ચારેય તરફથી પાણીનો ભારે મારો ચલાવીને મોરચો સંભાળ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગને આગળ વધતી અટકાવીને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં એક રાહતના સમાચાર એ છે કે કોઈ પણ નાગરિક, ગ્રાહક કે શો-રૂમના કર્મચારીને કોઈ ઈજા પહોંચી નથી અને મોટી જાનહાનિ ટળી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ બેટરીઓ અંદરથી ફરી સળગી ન ઉઠે તે માટે ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે ખૂબ જ ઝીણવટપૂર્વક કુલિંગની પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. જો કે, આ શોર્ટ સર્કિટના કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના લીધે આગ લાગી છે, તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application