BREAKING NEWS

હોંગકોંગના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ: ૪૪ના મોત, ૩૦૦ લાપત્તા

  • November 27, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવારે બપોરે ભીષણ આગ લાગતા કુલ 44 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અંદાજિત 300 લોકો ગુમ છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ 700 જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

મીડિયા અહેવાલો મુજબ, બપોરે 2.51 મિનિટે વાંગ ફુક કોર્ટ નામના રહેણાંક પરિસરમાં અચાનક આગ લાગી હતી અને ઊંચી બિલ્ડિંગ્સને ઝપેટમાં લઈ લીધી. ધુમાડાના કાળા વાદળો દૂર-દૂર સુધી દેખાયા અને અફરાતફરી મચી ગઈ. આ કોમ્પલેક્સના સંકુલમાં કુલ 8 બ્લોક્સ અને 2000 ફ્લેટ્સ આવેલા છે. સ્થિતિની ગંભીરતાને જોતા ફાયર સર્વિસ વિભાગે 'લેવલ-5 આલાર્મ ફાયર' જાહેર કર્યું, જે હોંગકોંગમાં આગની સૌથી ગંભીર શ્રેણી છે.



767 ફાયરફાઇટર્સ તૈનાત

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આખી બહુમાળી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આ ઘટનાસ્થળે 767 ફાયરફાઇટર્સ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આસપાસની ઇમારતો ખાલી કરાવી હતી. ટ્રાન્સપોર્ટ વિભાગે જણાવ્યું કે આગને કારણે 30થી વધુ બસ રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application