BREAKING NEWS

બારડોલીમાં 11થી વધુ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગઃ મેજર કોલ જાહેર, ફાયરની 15થી વધુ ગાડી ઘટનાસ્થળે

  • December 15, 2025 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત જિલ્લાના બારડોલી શહેરમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સામે આવી છે. બારડોલી વિસ્તારમાં આવેલ 11થી વધુ ભંગારના ગોડાઉનમાં એકસાથે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી પ્રસરતા ધૂમાડાના ગોટેગોટા લગભગ 2 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક રીતે “મેજર કોલ” જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને ભંગારનો સામાન સંગ્રહિત હતો. પ્લાસ્ટિક સામાન વધુ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને લોકો સુરક્ષિત સ્થળે ખસ્યા હતા. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.


ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ હજી સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. પ્લાસ્ટિક બળતાં ભારે ધુમાડો ફેલાઈ રહ્યો હોવાથી આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ગોડાઉનમાં રહેલો તમામ ભંગાર અને પ્લાસ્ટિકનો માલ બળીને સંપૂર્ણ રીતે ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે અને લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ફાયર વિભાગની કામગીરી પર નજર રાખી રહ્યા છે.


આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બારડોલીમાં સર્જાયેલી આ ઘટનાએ ઔદ્યોગિક અને ગોડાઉન વિસ્તારોમાં આગ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે અને સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે તમામ તંત્ર સક્રિય બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application