આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રની અગ્રણી કંપની ઓપનએઆઈ દ્વારા ગણિતના અઘરા કોયડા ઉકેલવા માટે પોતાના મોડલ ચેટજીપીટીની ક્ષમતા દર્શાવવાના પ્રયાસે વિવાદ ઊભો કર્યો છે. ગણિતશાસ્ત્રીઓ સાથે જોડાયેલા સંગઠન ‘એસોસિએશન ફોર હ્યુમન મેથેમેટિક્સ’નું કહેવું છે કે જો એઆઇ આમ જ ગણિતના કોયડા ઉકેલવા માંડશે તો માનવીય પ્રયત્નો, માનવ દ્વારા ગાણિતિક સંશોધનો અને સ્કોલરશીપનું શું થશે?
સંગઠને કંપનીના આ પગલાં સામે વાંધો ઉઠાવ્યો છે અને ગણિતની જટિલ સમસ્યાઓના સંશોધનમાં ઓપનએઆઈનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
વિવાદ ત્યારે વધ્યો જ્યારે કંપનીએ ગણિતની 377 સમસ્યાઓ અંગે પોતાનાં તારણો અને 700થી વધુ ફાઇલોનો સંગ્રહ પ્રકાશિત કર્યો. ગણિતશાસ્ત્રીઓના સંગઠને ચેતવણી આપી છે કે એઆઈ એવા ગાણિતિક તર્ક અને પુરાવા તૈયાર કરી શકે છે, જેને સમજવા અને તેની શુદ્ધતા ચકાસવા માટે માનવીય સંશોધકોને ભારે મહેનત કરવી પડે. ગણિતમાં કોઈ સમસ્યાનો જવાબ આપવો જ પૂરતો નથી, પરંતુ તે જવાબ યોગ્ય છે કે નહીં, તે સાબિત કરવું પણ એટલું જ જરૂરી છે.
એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુરાવા સાચા છે કે નહીં તેની ચકાસણી મુશ્કેલ બની શકે છે. આથી સંશોધકો માટે એઆઈનાં તારણો પર સંપૂર્ણ ભરોસો મૂકતાં પહેલાં તેની પદ્ધતિ અને પુરાવાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. સંગઠને આ મુદ્દે સંશોધનનો હવાલો આપીને ચિંતા વ્યક્ત કરી છે.
સંગઠનના જણાવ્યા અનુસાર, ગણિતશાસ્ત્રીઓએ કંપનીને આ પ્રકારનું સંશોધન ન કરવા કહ્યું નહોતું. જોકે, એઆઈ કંપનીઓએ પોતાના ખાનગી અને સામાન્ય લોકોની પહોંચથી બહાર રહેતા મોડલની ક્ષમતાને ગણિતની અત્યંત જટિલ સમસ્યાઓના સંદર્ભમાં રજૂ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ.
આ વિવાદથી એઆઈની ક્ષમતા દર્શાવવા અને વાસ્તવિક વૈજ્ઞાનિક સંશોધનમાં તેનો વિશ્વસનીય ઉપયોગ કરવા વચ્ચેનો તફાવત પણ સામે આવ્યો છે. એઆઈ મુશ્કેલ ગણિતીય સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ બની શકે છે, પરંતુ તેના જવાબોની સ્વતંત્ર ચકાસણી કરવી અનિવાર્ય છે.
ગણિતમાં કોઈ પણ પરિણામ સ્વીકારતા પહેલાં તાર્કિક પુરાવા અને તેની ચોકસાઈની ખાતરી કરવી જરૂરી છે. એઆઈ દ્વારા ઝડપથી જવાબ મેળવવાની ક્ષમતા ઉપયોગી હોવા છતાં, સંશોધકોની સમજ, સમીક્ષા અને સ્વતંત્ર ચકાસણીનું મહત્ત્વ ઘટતું નથી. ઓપનએઆઈના આ પગલાંએ ટેક્નોલોજીની પ્રગતિ સાથે સંશોધનની ગુણવત્તા અને વિશ્વસનીયતા જાળવવા અંગે નવી ચર્ચા શરૂ કરી છે.