રાજકોટ મહાપાલિકાની ચાલુ ટર્મની અંતિમ બોર્ડ મિટિંગ આજે મળી હતી, દરમિયાન બોર્ડ મિટિંગ પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન મિટિંગમાં તમામ કોર્પોરેટરો હસી ખુશીથી એક બીજાને મળ્યા હતા અને મેયર નયનાબેન પેઢડીયાએ સૌનો આભાર વ્યક્ત કરતી સ્પીચ આપી હતી જેમાં તેમણે એવું કહ્યું હતું કે અઢી વર્ષની ટર્મ દરમિયાન મહિલા કોર્પોરેટરોનો ખૂબ સાથ મળ્યો પરંતુ ભાઈઓ ( પુરુષ કોર્પોરેટરો) તરફથી જોઈએ તેવો સહકાર મળ્યો નથી તેમ કહી ભાજપમાં ચાલતા જૂથવાદ અને મતભેદો ઉપર દિશા નિર્દેશ કરતા મિટિંગમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. અંતિમ મિટિંગમાં મેયરે આવું વિવાદાસ્પદ કેમ બોલ્યા ? તે બાબત કોર્પોરેટરોમાં ચર્ચાનો વિષય બની હતી.
ચર્ચાતી વિગતો મુજબ, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના પતિદેવ વિનોદભાઈ પેઢડિયાએ સંતકબીર રોડ ઉપર નંદુબાગ પાસેની શિવશક્તિ સૂચિત સોસાયટીમાં કરેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામનો મુદ્દો ચર્ચામાં આવતા આ મુદ્દો પક્ષના જ કોઈએ બહાર લાવ્યો હોવાની શંકા તેમણે અન્ય મહિલા કોર્પોરેટરો સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી.
અલબત્ત પાર્ટી સંકલન મિટિંગમાં સામાન્ય રીતે ક્યારેય ઉપરોક્ત પ્રકારની ચર્ચા થતી ન હોય તેમ છતાં એકાએક આવી બાબત સામે આવતા અંતિમ બોર્ડ મિટિંગ પૂર્વેની સંકલન મિટિંગ અન્ય બાબતોને બદલે મેયરના ઉપરોક્ત નિવેદનને કારણે ચર્ચાસ્પદ બની રહી હતી.
વિપક્ષનું માઇક બંધ કર નહીં તો છૂટું માઇક મારીશ: ધવાએ ધમકી મારી
રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી બજેટની બોર્ડ મિટિંગમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયાએ સતત તેમને બોલવાની તક આપવાની માંગણી ચાલુ રાખતા રોષે ભરાયેલા ભાજપના સિનિયર કોર્પોરેટર વિનુ ધવાએ સભાગૃહના લાઉડ સ્પીકર ઓપરેટરને વિપક્ષના કોર્પોરેટરોની બેન્ચના માઇક બંધ કરવા કહ્યું હતું પરંતુ ઓપરેટરે માઇક ચાલુ રાખતા રોષે ભરાયેલા વિનુ ધવાએ તેમના હાથમાં રહેલું કોડલેસ માઇક ઓપરેટરને બતાવીને ધમકી મારી હતી કે કોંગ્રેસિયાવના માઇક બંધ કર નહીં તો તને આ છૂટું મારીશ ! ધમકીથી ડરી ગયેલા ઓપરેટરે તત્કાલ કોંગ્રેસના માઇક બંધ કર્યા હતા.
બજેટ બોર્ડમાં ૧૧ કોર્પોરેટર ગેરહાજર રહ્યા
એક સમયે બજેટ બોર્ડમાં કલાકો નહીં દિવસો સુધી બૌધ્ધિક ચર્ચા થતી ત્યારબાદ બજેટ બોર્ડમાં મંજૂર થતું હતું પરંતુ હવે બજેટ બોર્ડનું મહત્વ એટલું રહ્યું છે કે કોર્પોરેટરો તેમાં પણ હાજર રહેતા નથી. આજના બજેટ બોર્ડમાં કેતન ભાઈ પટેલ, પુષ્કરભાઇ પટેલ, નિલેશભાઈ જલુ, પ્રીતિબેન દોશી સહિતના ચાર કોર્પોરેટર રજા રિપોર્ટ મૂકીને અન ઉપસ્થિત રહ્યા હતા તો ભાનુબેન બાબરીયા, ડો.દર્શિતાબેન શાહ, અનિતાબેન ગૌસ્વામી, સંદીપભાઈ ગાજીપરા, સુરેશભાઈ વસોયા, સંજયસિંહ રાણા, અને મકબુલભાઈ દાઉદાણી વિગેરે રજા રિપોર્ટ વિના ગેરહાજર રહ્યા હતા.
પીપીપી-બીઓટી યોજના સામે વિરોધ: સાગઠીયા
રાજકોટ મહાપાલિકાના બજેટ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસે બજેટમાં રહેલી તમામ પીપીપી યોજનાઓ તેમજ બીઓટી ધોરણે આવાસ યોજનાઓ નિર્માણ કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ યોજનાઓ બિલ્ડર લોબીને ફાયદો કરાવવા મુકાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે વેરામાં વ્યાજમાફીઅને મહીલાઓને વાર્ષિક રૂ.૧૦૦૦ના પાસમાં વર્ષભર સિટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરીની યોજના સહિતની યોજનાઓને વિપક્ષે આવકારી હતી.
સ્ટેન્ડિંગ ચેરમેને શાયરાના અંદાજમાં બજેટ રજૂ કર્યું
રાજકોટ મહાપાલિકાના બજેટ બોર્ડમાં બજેટની હાઈલાઇટ્સ આપતી સ્પીચ વેળાએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર શાયરાના અંદાજમાં આવી ગયા હતા અને વિપક્ષ કોંગ્રેસને ખરી ખોટી સંભળાવવા સાથે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતી શાયરીઓ
લલકારી હતી જેમાં બજેટ સ્પીચમાં વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ કરી રહેલા વિપક્ષને કહ્યું હતું કે,
દૂસરોં કો સુનાને કે લીયે અપની આવાઝ ઉંચી મત કરો,
બલ્કી અપના વ્યક્તિત્વ ઐસા બનાઓ...
કી સુનને કે લીયે લોગ ઇન્તઝાર કરેં !”
બહેતર સે બહેતર કી તલાશ કરો... મિલ જાયે નદી તો સમંદર કી તલાશ કરો,
તૂટ જાતે હૈં શીશે પથ્થરોં કી ચોટ સે...
તોડ દે પથ્થર, ઐસે શીશે કી તલાશ કરો ! તેમજ પરીંદો કો મંઝીલ મિલેગી યકીનન... યે ફૈલે હુએ ઉનકે પર બોલતે હૈં,
અક્સર વો લોગ ખામોશ રહતે હૈં... ઝમાને મેં જીનકે હુનર બોલતે હેં ! જેવી શાયરીઓ લલકારી હતી.