BREAKING NEWS

મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયા શરૂ ૧૨મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન થશે

  • August 01, 2026 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ધોરણ-૧૨ સાયન્સના પરિણામ બાદ મેડિકલ અને ડેન્ટલ સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની લાંબા સમયથી પ્રતીક્ષિત પ્રવેશ પ્રક્રિયાનો આખરે ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રવેશ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આગામી ૧૨મી ઓગસ્ટ સુધી ઓનલાઈન પિન વિતરણ અને રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયા માટે કુલ ૭૫૦૦ બેઠકો ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે ગત વર્ષની ૭૨૦૦ બેઠકોની સરખામણીમાં ૩૦૦ બેઠકોનો વિશેષ વધારો દર્શાવે છે. ભરૂચ અને અમરેલી મેડિકલ કોલેજની અગાઉ કપાયેલી ૫૦-૫૦ બેઠકો પરત મળતા કુલ ૧૦૦ બેઠકોનો સીધો ફાયદો થયો છે. આ ઉપરાંત અન્ય ચાર કોલેજોમાં પણ બેઠકોનો વધારો કરાયો છે. અમદાવાદની એલ.એમ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, સુરત મ્યુનિસિપલ કોલેજ, સી.યુ. શાહ મેડિકલ કોલેજ, કિરણ મેડિકલ કોલેજ (નડિયાદ) અને વિસનગર મેડિકલ કોલેજમાં સ્થાનિક ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ અમદાવાદ કે સુરતના નિવાસી હોવાનું પ્રમાણપત્ર સંબંધિત ડીન પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી રૂ. ૩,૦૦૦ (નોન-રિફંડબલ) અને રૂ.૧૦,૦၀၀(રિફંડબલ) મળીને કુલ રૂ. ૧૧,૦૦૦ ભરીને પિન ખરીદવાનો રહેશે. ત્યારબાદ ૧૩મી ઓગસ્ટ સુધી હેલ્પસેન્ટર પર જઈને ડોક્યુમેન્ટ ચકાસણી કરાવી શકાશે. બીજી તરફ, ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો માટે આગામી ૪થી ઓગસ્ટથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ચાલુ વર્ષે નીટ પરીક્ષામાં ગત વર્ષની સરખામણીએ અંદાજે ૧૦,૦૦૦ જેટલા ઓછા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી, ઉપલબ્ધ બેઠકો સામે મેરિટ ઊંચું રહેવાની પૂર્ણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application