BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ બેઠક અને સામાન્ય સભા યોજાઈ

  • February 12, 2026 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરાયું

જિલ્લા પંચાયત દ્વારા રજૂ કરાયેલ પેપરલેસ બજેટ ડિજિટલ ગવર્નન્સ તરફનું  મજબૂત પગલું : જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા


જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા પારદર્શિતા, કાર્યક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે આજરોજ જિલ્લા પંચાયતનું બજેટ  સંપૂર્ણપણે પેપરલેસ પદ્ધતિથી રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાનું આ પગલું જિલ્લા પંચાયતને ડિજિટલ ગવર્નન્સ તરફની એક પહેલ તરીકે  જોવામાં આવે છે.


જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ પ્રેઝન્ટેશન ઇ-ડોક્યુમેન્ટ અને ડિજિટલ પ્રેઝન્ટેશન મારફતે રજૂ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના તમામ સભ્યોને બજેટ સંબંધિત દસ્તાવેજો ટેબ્લેટ/મોબાઇલ/ઈ-મેઈલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા, જેના પરિણામે સમય અને પેપરની બચત પણ થઈ છે. 

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રિદ્ધિબા જાડેજાએ જણાવ્યું હતું કે, “પેપરલેસ બજેટ એ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પરંતુ તે પર્યાવરણ સુરક્ષા અને પારદર્શક વહીવટ માટેની  પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. તેમજ વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના ટેક્નોલોજીના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય ચરિતાર્થ કરવાનો આ અવસર છે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરે જિલ્લા પંચાયતના આ પગલાંને ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાન વેગવંતુ બનાવવાનું દિશામાં માર્ગદર્શક પગલાં તરીકે વર્ણવ્યું હતું. 


ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનું કુલ રૂ.૮૩૯ કરોડ અને ૮૬ લાખનું બજેટ રહેશે. જેમાં કુલ રૂ.૪૭૧ કરોડ ૩૪ લાખ ખર્ચ જ્યારે વર્ષના અંતે ૩૬૮ કરોડ ૫૧ લાખનું પુરાંતવાળુ અંદાજપત્ર રહેશે. જેમાં, સરકાર દ્વારા વિવિધ વિભાગની જોગવાઈ જોઈએ તો, બાંધકામ ક્ષેત્રે રૂ.૭૬૦ કરોડ, શિક્ષણ ક્ષેત્રે રૂ.૨૦૩ કરોડ, આરોગ્ય ક્ષેત્રે રૂ.૫૨ કરોડ કરતા વધુ, સિંચાઈ ક્ષેત્રે રૂ.૧૨ કરોડ કરતા વધુ, ખેતીવાડી ક્ષેત્રે રૂ.૨૪ કરોડ કરતા વધુ તેમજ ૧૫માં નાણાંપંચ અંતર્ગત રૂ.૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


 ઉપરાંત, જિલ્લા પંચાયતના સ્વભંડોળ હેઠળ સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ.૭૧ લાખ કરતા વધુ, બાંધકામ ક્ષેત્રે રૂ.૭૨ લાખ કરતા વધુ, સમાજ કલ્યાણ અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિસ્તારના વિકાસ કાર્યો માટે રૂ.૨૬ લાખ, શિક્ષણ માટે રૂ.૫૦ લાખ જેટલી રકમની જોગવાઇઓ કરવામાં આવી છે. 


જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર અને હિસાબી અધિકારી વિષ્ણુ રબારીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એ.ગોહિલ ઈનચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત નિલેશ ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચોબીસા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય, તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application