ગુજરાતમાં જીએસટી એનફોર્સમેન્ટ વિભાગની અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢની ટીમો દ્વારા ગઈકાલે સવારથી ઓપરેશન હાથ ધરીને જામનગરમાં બિલ્ડર્સ અને બ્રાસના વ્યવસાય સાથે સંકળાયેલી 25 જેટલી પેઢીઓ પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન કાર્યવાહી આજે બીજે દિવસે પણ યથાવત રહી છે. અમદાવાદથી આવેલી જીએસટી એન્ફોર્સમેન્ટની વિશેષ ટીમોએ પણ કાર્યવાહીમાં જોડાઈને અનેક સ્થળોએ તપાસ શરૂ કરી હતી. જામનગરના સીએ અલ્પેશ પેઢડીયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલી રહ્યા હોવાની આશંકાને ધ્યાને લઈ જીએસટી ટીમે આ કાર્યવાહી શરૂ કરી હોવાનું જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.
જીએસટી વિભાગના મેગા ઓપરેશન માટે અમદાવાદની જીએસટીની ટુકડીઓ પણ જામનગર પહોંચી હતી અને બ્રહ્મ એસોસિએટેડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી શરૂ થતાં જ પેઢીના સંચાલકો તાળા મારી નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહી પાંચ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા જીએસટી વિભાગના સૂત્રોએ દર્શાવી છે. આ તપાસ દરમિયાન પેઢીના માલિકોએ કબૂલ્યું કે તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વ્યવહારો કરવામાં આવતા હતા. આશરે 100 કરોડથી વધુનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કેટલીક બોગસ પેઢીઓ ચાલી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના કારણે મોટા માથાઓ સામે કાર્યવાહી થઈ શકે છે. જીએસટીની ટીમો દ્વારા હાલમાં વિવિધ પેઢીઓના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા અને આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જામનગરના વ્યાપારી વર્તુળોમાં જીએસટી વિભાગની આ અચાનક અને વ્યાપક કાર્યવાહીને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી.
સીએ અલ્પેશ પેઢડીયાની ઓફિસ તથા ઘરે તપાસ
જીએસટી એનફોર્સમેન્ટ વિભાગની ટીમ દ્વારા મેગા સર્ચ અંતર્ગત સીએ ફર્મ ચલાવતા અલ્પેશ બેટરી અને ઓફિસે પણ તપાસ હાથ ધરાયા બાદ તેના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. અલ્પેશ પેઠડીયાની એસ્પાયર ઇન કોર્પોરેશન પેઢી સહિત અન્ય સ્થળો પર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરોડામાં જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનું મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા સૂત્રોએ દર્શાવી છે.