આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ સામેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીમાં માઈક્રોસોફ્ટ અને હેલ્થ ઇન્ફોર્મેશન શેરિંગ એન્ડ એનાલિસિસ સેન્ટરે ચીનથી સંચાલિત થતા 3 મુખ્ય સાયબર ક્રાઇમ સ્ટોરના ઓનલાઇન નેટવર્કને જપ્ત કરી લીધા છે. અમેરિકી અદાલતના આદેશ બાદ YAM Store, CoGUI અને Iron Man નામના આ નેટવર્કના માળખાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.
75,000 સંસ્થાઓને બનાવવામાં આવી નિશાના પર
આ કાર્યવાહીનો મુખ્ય હેતુ વિશ્વ સ્તરે મોટા પાયે થઈ રહેલી ફિશિંગ અને ઓનલાઇન નાણાકીય ધોખાધડી પર લગામ લગાવવાનો છે. આ 3 નેટવર્કના માધ્યમથી દુનિયાભરના 150થી વધુ દેશોમાં 75,000થી વધારે સરકારી, ખાનગી, સ્વાસ્થ્ય સેવા અને બેન્કિંગ સંસ્થાઓને નિશાના પર લેવામાં આવી હતી. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં આ નેટવર્ક દ્વારા 1 અબજથી વધુ નુકસાનકારક સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 75 કરોડથી વધુ નકલી સંદેશાઓ માત્ર માઈક્રોસોફ્ટ વપરાશકર્તાઓને જ મોકલવામાં આવ્યા હતા.
જાપાનની ફરિયાદથી થયો પર્દાફાશ
આ સમગ્ર મામલાની તપાસ વર્ષ 2025ના અંતમાં શરૂ થઈ હતી. જાપાનની નેશનલ પોલીસ એજન્સીએ દેશમાં ફિશિંગ હુમલાઓમાં અચાનક થયેલા વધારા વિશે માઈક્રોસોફ્ટને એલર્ટ કર્યું હતું. ત્યારબાદ તપાસ વધી અને અનેક દેશોની એજન્સીઓ તથા સાયબર સુરક્ષા કંપનીઓ આ અભિયાનમાં સામેલ થઈ ગઈ.
ત્યારબાદ અમેરિકી સીક્રેટ સર્વિસ, જાપાન સાયબર ક્રાઇમ કંટ્રોલ સેન્ટર, ક્લાઉડફ્લેર અને ઓરેકલ જેવી દિગ્ગજ સુરક્ષા કંપનીઓએ સાથે મળીને તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ નેટવર્ક એક ઈ-કોમર્સ સ્ટોરની જેમ કામ કરી રહ્યું હતું, જ્યાં અપરાધીઓ રેડીમેડ ફિશિંગ કિટ, નકલી વેબસાઇટ્સ અને ચોરાયેલા એકાઉન્ટ ખરીદીને નાણાકીય ધોકાધડી કરતા હતા.
નકલી વેબસાઇટ્સથી ચોરતા હતા ડેટા
CoGUI અને Iron Man જેવા નેટવર્ક અસલી બેન્ક, હોસ્પિટલ, પોલીસ વિભાગ અને સરકારી એજન્સીઓની હૂબહૂ નકલ કરીને નકલી વેબસાઇટ અને લાલચ આપતા સંદેશાઓ બનાવતા હતા. અમેરિકામાં ટ્રાફિક દંડ અને પાર્કિંગ ચલણના નામે લોકો પાસેથી ક્રેડેન્શિયલ અને બેન્ક કાર્ડ વિગતો ચોરવામાં આવતી હતી. ચુકવણી માટે આ અપરાધીઓ અલીપે, વીચેટ પે અને ટેથર જેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હતા.
20,000 એકાઉન્ટ બંધ, 1 લાખ ડોમેન બ્લોક અમેરિકી અદાલતના આદેશ બાદ કાર્યવાહી કરીને માઈક્રોસોફ્ટે YAM Store સાથે સીધા જોડાયેલા 20,000થી વધુ એકાઉન્ટ નિષ્ક્રિય કરી દીધા છે અને ધોકાધડીમાં ઉપયોગમાં લેવાયેલા 1 લાખથી વધારે શંકાસ્પદ ડોમેન પર સક્રિય બ્લોક લગાવી દીધા છે. સાથે જ માઈક્રોસોફ્ટે સ્પષ્ટ કર્યું છે કે સાયબર અપરાધના આ વૈશ્વિક ઇકોસિસ્ટમમાં અન્ય સક્રિય નેટવર્ક સામે પણ સતત સતર્કતા અને કાર્યવાહી જારી રહેશે.