કુવાડવા રોડ પર બસમાંથી ઉતરતી વખતે પડી જતા આધેડને વાહને અડફેટે લેતા મોત
કુવાડવા રોડ પર બસમાંથી ઉતરતી વખતે પડી જતા આધેડને વાહને અડફેટે લેતા મોત
October 14, 2025 11:48 AM
કુવાડવા રોડ પોલીસ ચોકી પાસે બસમાંથી ઉતરતી વખતે પડી જતા આધેડને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા મોત નીપજ્યું હતું. આધેડ સાયલાના વાસાવત ગામના રહેવાસી હતા અને નવાગામ(રંગીલા)માં દીકરીને તેડવા માટે આવ્યા હતા. દરમિયાન બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સાયલાના વાતાવસ ગામે રહેતા ખોડાભાઈ ભીખાભાઈ ગણોદીયા (ઉ.વ.50)ના આધેડ ગઈકાલે સવારે સાયલાથી રાજકોટ આવવા માટે એસટી બસમાં બેઠા હતા દરમિયાન બપોરે બારેક વાગ્યે કુવાડવા રોડ પોલીસ ચોકી પાસે બસમાંથી ઉતરવા જતા પટકાયા હતા દરમિયાન કોઈ અજાણ્યા ફોરવ્હીલ ચાલકે આધેડને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં રહેલા આધેડને જોઈ કોઈએ 108ને જાણ કરી હતી અને બનાવની સોશિયલ મીડિયા મારફતે જાણ થતા નવાગામ(રંગીલા)માં રહેતા વેવાઈ સહિતના લોકો પણ દોડી ગયા હતા અને સિવિલ હોસ્પિટલએ ખસેડાયા હતું. જ્યાં આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ખેતીકામ કરતા હતા અને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. દીકરીના થોડા સમય પહેલા જ નવાગામ (રંગીલા)માં લગ્ન કર્યા હોય તહેવાર હોવાથી દીકરીને તેડવા માટે આવ્યા હતા દરમિયાન અકસ્માત નડ્યો હતો. વધુ તપાસ કુવાડવા પોલીસે હાથ ધરી છે.