જામનગર નજીક સિક્કા જેટીના દરિયામાં બપોરના સમયે એક પરપ્રાંતિય યુવાન પાણી ઉતરી ગયું હોવાથી અંદર ઉતર્યો હતો, તે દરમિયાન એકાએક વીર આવી જતાં પોતે પાણીમાં ફસાયો હતો, અને મદદ માંગી હતી. દરમ્યાનમાં સ્થાનીક તરવૈયાઓની મદદથી યુવાનને સલામત રીતે બહાર કાઢી બચાવી લેવાયો હતો.
જામનગર નજીક મોટી ખાવડીમાં રહીને એક ખાનગી કંપનીમાં કામ કરતો અજીમ મુક્તારખાન શેખ નામનો ૩૦ વર્ષનો પરપ્રાંતિય યુવાન કે જે ગુરુવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં સિક્કા જેટી પાસે ફરવા આવ્યો હતો, અને દરિયામાં પાણી પાછું ફર્યું હોવાથી દરિયાઈ ઓટના કારણે એકાદ નોટિકલ માઈલ સુધી દરિયામાં ચાલીને પહોંચ્યો હતો.
પરંતુ તે કાંઈ સમજે તે પહેલાં એકાએક વીર આવી ગઈ હતી, અને પોતે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેની કમર અને છાતી સુધી પાણી આવી જતાં અને નીચે દરિયાઈ પથ્થર પગમાં વાગવા ના કારણે પોતે ઈજાગ્રસ્ત બન્યો હતો.
દરમિયાન પોતાના પાસે રહેલા મોબાઇલ મારફતે તેણે સૌ પ્રથમ ૧૧૨ નંબરની પોલીસ ટીમની મદદ માંગી હતી, પોતે કયા ફસાયો છે, તે સરખું લોકેશન આપી શક્યો ન હતો, અને આ વિસ્તારથી પણ પોતે અજાણ હતો. દરમિયાન સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ભાયાભાઈ મશુરા અને કિશોરસિંહ જાડેજા ૧૧૨ નંબરની પોલીસ જીપ લઈને તાત્કાલિક અસરથી સાયરન વગાડતા ની સાથે સાથે સિક્કા જેટી પાસે પહોંચ્યા હતા.
આ સમયે ૧૦૮ની ટુકડીની પણ મદદ લેવાઈ હતી, અને ૧૦૮ ની ટીમના પાયલોટ ઘનશ્યામસિંહ જાડેજા અને દક્ષાબેન વાજા કે જેઓ પણ દરિયામાં ફસાયેલા યુવાન અજીમ સાથે મોબાઈલ નો સંપર્ક ચાલુ રાખીને સિક્કા જેટી સુધી પહોંચ્યા હતા.
દરમિયાન પોલીસે એક સ્થાનિક તરવૈયા હસન કાસમભાઈ કમોરાની મદદ લીધી હતી, અને આશરે એકાદ નોટિકલ માઈલ સુધી દરિયાની અંદર ફસાઈ ગયેલા અજીમ શેખને સહી સલામત રીતે બહાર કઢાવ્યો હતો. જેને પગમાં ઈજા થઈ હોવાથી સૌ પ્રથમ પ્રાથમિક સારવાર આપી હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે તેને સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરાયા બાદ તેને રજા આપી દેવામાં આવી હતી.
સિક્કા પોલીસ સ્ટેશનની ટુકડી, તેમજ ૧૦૮ ની ટીમ તથા સ્થાનિક તરવૈયા વગેરેની અડધો કલાકની જહેમતને કારણે આખરે એક યુવાન દરિયામાં ડૂબતો બચ્યો હતો, અને તેને સહી સલામત બહાર કાઢી લીધો હતો. જેથી તેણે પોલીસ તથા ૧૦૮ સહિતની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.