BREAKING NEWS

અમરાપુર ગામની સીમમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપાઇ

  • February 07, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે વિંછીયા પોલીસ સ્ટેશન હેઠળના અમરાપુર ગામની સીમમાં વાડીએ ડુપ્લીકેટ દારૂ બનાવવાની મીની ફેક્ટરી પર દોરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી દારૂની 218 બોટલ શરાબ, દારૂ બનાવવાનું લિક્વિડ સહિત રૂપિયા 1.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન સૂત્રધાર વિંછીયાના સમઢીયાળામાં રહેતો જીતેશ સોલંકી બે સગીર સહિત ચારને ઝડપી લીધા હતા. જ્યારે વાડી માલિકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ શખસો અહીં નબળી ક્વોલિટીનો દારૂ લાવી તેમાં લિક્વિડનું મિશ્રણ કરી ઉચ્ચ ક્વોલીટીની દારૂની બોટલમાં આ દારૂ ભરી મોંઘા ભાવે વેચતા હોવાનું માલુમ પડ્યું છે.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ જિલ્લામાં દારૂ -જુગારની પ્રવૃત્તિ સામે ઝીરો ટોલરન્સની નીતિથી ટીમ કામ કરી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.સી ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, વિંછીયાના અમરાપુર ગામની સીમમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચાલી રહી છે.

પોલીસે આ બાતમીના આધારે અહીં અમરાપુર ગામની સીમમાં આવેલી વાડીએ દરોડો પાડતા અહીં ડુપ્લીકેટ દારૂ બનાવવાની મીની ફેક્ટરી મળી આવી હતી. પોલીસે દરોડા દરમિયાન અહીંથી 218 દારૂની બોટલ દારૂ, શરાબ બનાવવાનું લિક્વિડ 30 લીટર મળી કુલ રૂપિયા 1.28 લાખનો દારૂનો આ જથ્થો અને ચાર મોબાઇલ સહિત કુલ રૂપિયા 1.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે દરોડા દરમિયાન જીતેશ વીરાભાઇ સોલંકી (ઉ.વ. 27 રહે. સમઢીયાળા તા. વિંછીયા), પ્રદીપ કાળુભાઈ સાગઠીયા (ઉ.વ. 18 રહે. વિંછીયા) અને બે સગીરને ઝડપી લીધા હતા. આ વાડી રણજીત નાથાભાઈ વાસાણી (રહે. અમરાપુર) ની હોવાનું માલુમ પડ્યું હતું જે અહીં હાજર મળી આવ્યો ન હતો.

આ કામગીરીમાં એલસીબીના એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ ખાચર, જીતેન્દ્રભાઈ ગોહિલ, રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા, કોન્સ્ટેબલ અમિતદાન સુરુ, વિજયભાઈ ખડીયા, અજીમભાઈ સમા, ભાવેશભાઈ મકવાણા, વિજયભાઈસિંહનો સ્ટાફ સાથે રહ્યો હતો.


નબળી ક્વોલિટીના દારૂમાં લિકિવડ ભેળવી ઉચ્ચાભાવે વેચતા

સમગ્ર કારસ્તાન જીતેશ સોલંકી ચલાવતો હતો તે નબળી ક્વોલિટીનો દારૂ લાવી તેમાં દારૂ બનાવવાનું લિક્વિડ બનાવવાનું મિશ્રણ કરી ઉચ્ચ ક્વોલીટીની દારૂની બોટલમાં આ દારૂ ભરી મોંઘા ભાવે વેચતા હતા. આ પ્રકારે તેમણે અગાઉ એક વખત દારૂનો જથ્થો તૈયાર કર્યો હતો અને અહીં સ્થાનિકોને જ વેચ્યો હતો. આ બીજી વખત દારૂનો જથ્થો તૈયાર કરતા હતા અને પોલીસની ટીમ પહોંચી ગઈ હતી. પોલીસે સુત્રધાર જીતેશ અને અહીં કામ કરનાર સગીર સહિત ત્રણને ઝડપી લીધા છે. પરંતુ વાડી માલિક રણજીત હાથ લાગ્યો ન હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application