BREAKING NEWS

સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ, જરૂર મુજબ દુષ્કાળ જાહેર કરાશેઃ મંત્રી કુંવરજી બાવળિયાની રાજકોટમાં જાહેરાત

  • October 25, 2026 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 'રાષ્ટ્રીય સરસ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું ૨૫ ઓક્ટોબરના રોજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમાં ઓછા વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે બોલતાં મંત્રીએ વિશ્વાસ આપ્યો હતો કે રાજ્ય સરકાર તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર જણાશે ત્યાં જિલ્લાવાર દુષ્કાળ કે અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવશે.

કેબિનેટ મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હાલ જે વિસ્તારોમાં અછતની સ્થિતિ છે ત્યાં વધારાનું પાણી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. ભવિષ્યમાં જ્યાં પણ જરૂરિયાત ઊભી થશે ત્યાં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ખેડૂતો અને માલધારીઓને કોઈ મુશ્કેલી ન વેઠવી પડે.

આગામી 5 નવેમ્બર સુધી ચાલનારા આ રાષ્ટ્રીય સરસ મેળાનું આયોજન 'રાષ્ટ્રીય આજીવિકા મિશન' (NRLM) હેઠળ કરવામાં આવ્યું છે. મેળામાં દેશના ૧૩ જેટલા વિવિધ રાજ્યોની સ્વસહાય જૂથ (SHG) અને 'મિશન મંગલમ' સાથે જોડાયેલી બહેનોએ પોતાના ૧૬૦ જેટલા વિશિષ્ટ સ્ટોલ ઊભા કર્યા છે. અહીં ગુજરાત સહિત દેશભરની મહિલાઓ દ્વારા હસ્તકળા અને ગૃહઉદ્યોગથી તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે.

આ સરસ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ અને સ્વસહાય જૂથની બહેનોને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ માટે યોગ્ય બજાર પૂરું પાડવાનો છે. બહેનોને સ્થાનિક સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીનું માર્કેટિંગ પ્લેટફોર્મ મળે અને તેઓ આર્થિક રીતે પગભર બનીને સ્વનિર્ભર થઈ શકે તે માટે આ પ્રકારના રાષ્ટ્રીય કક્ષાના મેળાનું વિશેષ આયોજન કરવામાં આવે છે.

રાજકોટ અને આસપાસના વિસ્તારના લોકો આગામી ૫ નવેમ્બર સુધી આ મેળામાં દેશભરની વિવિધ સંસ્કૃતિ અને કળાના દર્શન કરવાની સાથે ખરીદીનો પણ આનંદ માણી શકશે. રાજકોટના આંગણે આયોજિત આ મેળો એક તરફ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી રહ્યો છે, તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અછતગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી માટેના નક્કર આયોજનની ખાતરી પણ આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application