ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશની પ્રગતિશીલ મહિલાઓ માટે એક અદભુત રાષ્ટ્રીય ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની યુવતીઓ અને મહિલાઓને સરકારી નીતિઓ, સંશોધનો અને કલ્યાણકારી યોજનાઓની કામગીરીને નજીકથી સમજવાનો વ્યવહારિક અનુભવ પૂરો પાડવાનો છે. આ માધ્યમથી પસંદગી પામેલી મહિલાઓને મંત્રાલયના નિષ્ણાતો સાથે સીધા જોડાઈને વિવિધ પ્રોજેક્ટ્સ અને પોલિસી એનાલિસિસ પર કામ કરવાની શ્રેષ્ઠ તક મળશે.આ એક સંપૂર્ણ સરકારી અને પેઇડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે, જેની અવધિ પૂરા 2 મહિનાની રહેશે. જે પણ મહિલા ઉમેદવારો આ પ્રોગ્રામ માટે શોર્ટલિસ્ટ થશે, તેમને સરકાર તરફથી દર મહિને 20,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. એટલે કે 2 મહિનાના સફળ ગાળા દરમિયાન કુલ 40,000 રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે.
આ ઉપરાંત, પસંદગી પામેલી મહિલાઓને નવી દિલ્હીમાં રહેવા માટે હોસ્ટેલની સુવિધા અને મુસાફરી ભથ્થું પણ નિયમોનુસાર મંત્રાલય દ્વારા પૂરું પાડવામાં આવશે.
કોણ કરી શકશે અરજી અને કઈ બાબતોનું રાખવું ધ્યાન?
સરકારની સત્તાવાર જાહેરાત અનુસાર આ શૈક્ષણિક તક માત્ર મહિલાઓ માટે જ અનામત રાખવામાં આવી છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અરજી કરનાર મહિલાની ઉંમર 21 થી 40 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. આ યોજના અંતર્ગત દેશની વિવિધ કોલેજો કે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ, રિસર્ચ સ્કોલર્સ, સામાજિક કાર્યકરો અને શિક્ષિકાઓ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
મંત્રાલય દ્વારા આ પદો માટે દર વર્ષે અલગ-અલગ બેચ બહાર પાડવામાં આવે છે અને હાલમાં August અને September મહિનાની બેચ માટેની પ્રક્રિયા ખુલ્લી મૂકવામાં આવી છે.અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોના વિકાસને વેગ આપવા માટે આ વખતે માત્ર નોન-ટાયર 1 શહેરો અને ગ્રામીણ ભાગોમાં રહેતી મહિલાઓને જ તક આપવાનું નક્કી કરાયું છે. આ કારણે જ અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણે જેવા મોટા મેટ્રો શહેરોમાં રહેતા અથવા ત્યાં ભણતા ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે નહીં. ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ દરેક સહભાગીને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી એક સત્તાવાર પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે, જે ભવિષ્યની કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
લાયકાત ધરાવતી ઉત્સુક મહિલાઓએ મંત્રાલયના સત્તાવાર પોર્ટલ પર જઈને જ ડિજિટલ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ માટે ઉમેદવારે પોતાનો ફોટોગ્રાફ, આઈડી પ્રૂફ, રહેઠાણનો પુરાવો અને શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 June 2026 નક્કી કરવામાં આવી હોવાથી, સમય મર્યાદા પૂરી થાય તે પહેલાં વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરી લેવી હિતાવહ છે.